મમતા મંદિરના શિક્ષકોએ ઇશારાની ભાષામાં તૈયાર કર્યુ છે રાષ્ટ્રગીત
નવસારી : તમારા બોલ કરતા મૌનમાં ઘણી શક્તિ હોય છે, ત્યારે નવસારીના મમતા મંદિરના મુકબધિર બાળકો ઈશારાની ભાષાથી રાષ્ટ્રગીત ગાઈને ભારત પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી, ગૌરવ અનુભવી રહ્યા છે. શિક્ષકોએ સતત એક મહિનાની મહેનત બાદ ઈશારાની ભાષામાં તૈયાર કરેલ રાષ્ટ્રગીત થકી બાળકોને દેશપ્રેમ દર્શાવવાનું માધ્યમ મળ્યુ છે.
રાષ્ટ્રગીતના એક એક શબ્દનો ઇશારો શોધી, એને જોડીને બનાવ્યુ રાષ્ટ્રગીત
દેશ પ્રત્યે પ્રેમ દર્શાવવા આપણે જુસ્સા સાથે નારા લગાવવા સાથે જ છાતી પહોળી કરીને ભારતની આન, બાન અને શાન એવા “ જન, ગણ, મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા… “ રાષ્ટ્રગીતને ગાઇએ છીએ. પરંતુ જન્મથી જ સાંભળી ન શકવાને કારણે બોલી પણ શકતા મમતા મંદિરના મુકબધિર બાળકો ઇશારાથી વાતો તો કરતા હતા, પણ એમને રાષ્ટ્રીય તહેવારો સમયે ગવાતા રાષ્ટ્રગીત વખતે શિક્ષકો અને અન્ય લોકોને જોઈને મુંઝવણ થતી હતી. 10 વર્ષ અગાઉ શાળામાં આવેલ NRI એલીષાબેને શિક્ષકોને વિદ્યાર્થીઓને ઇશારાની ભાષામાં જ રાષ્ટ્રગીત તૈયાર કરવા પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ શિક્ષકોએ રાષ્ટ્રગીતના એક એક શબ્દોનો ઇશારો શોધ્યો અને બાદમાં એ તમામ ઇશારાઓને જોડીને રાષ્ટ્રગીત પૂર્ણ કર્યુ હતુ. ઇશારાની ભાષામાં રાષ્ટ્રગીત તૈયાર કરતા શિક્ષકોને એક મહિનો લાગ્યો હતો.
સાઇન લેન્ગવેજમાં રાષ્ટ્રગીત વિદ્યાર્થીઓને શિખવવા શિક્ષકોને ઘણી મુશ્કેલી પડી હતી. કારણ બોલેલું વહેલું યાદ રહે છે, પણ સાંભળી ન શકતા વિદ્યાર્થીઓને યાદ રાખવામાં સમય વધુ જાય છે. જેથી શિક્ષકોએ રોજ શાળા છુટતા સમયે સાઇન લેન્ગવેજમાં રાષ્ટ્રગીત શિખવવાનું શરૂ કર્યુ હતુ. પ્રથમ ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને ઇશારામાં રાષ્ટ્રગીત શિખવ્યું અને બાદમાં તેમના સહયોગથી નાના વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા. ત્રણથી ચાર મહિનાની મહેનત થકી મમતા મંદિરના શિક્ષકો ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને સાઇન લેન્ગવેજમાં રાષ્ટ્રગીત તૈયાર કરાવી શક્યા. આજે શાળાના 350 વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે મનમાં દેશપ્રેમ ભરી ઇશારાની ભાષામાં રાષ્ટ્રગીત ગાઈને પોતાને ગૌરવાન્વિત અનુભવી રહ્યા છે.