અપરાધ

27 હજારના વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

Published

on

ખેરગામ પોલીસે 67 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નવસારીના ખેરગામ તાલુકાના અટગામથી ચીખલી માર્ગ પર ચરી ચાર રસ્તા પાસેથી ખેરગામ પોલીસે બાતમીને આધારે 27,200 રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બે ખેપિયાને ઝડપી પાડ્યા હતા. જયારે વિદેશી દારૂ ભરાવી આપનાર દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

વિદેશી દારૂનો જથ્થો દમણના બુટલેગર પપ્પુએ ભરાવી આપ્યો હતો

મળતી માહિતી અનુસાર, ખેરગામ પોલીસની ટીમ આજે ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ પીનલ અર્જુનને બાતમી મળી હતી કે, દમણથી વલસાડ પાસીંગની એક ઓટો રીક્ષામાં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો લઇ ખેરગામ ચીખલીના આંતરિક માર્ગેથી નવસારી તરફ જનાર છે. જેને આધારે પોલીસની ટીમે ખેરગામના અટગામથી ચીખલી માર્ગ પર ચરી ચાર રસ્તા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી રીક્ષા આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 27,200 રૂપિયાની વ્હીસ્કીની 40 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે સેલવાસના નરોલી રોડ સ્થિત ઇન્દિરાનગર ખાતે રહેતા અને રીક્ષા ચાલક 44 વર્ષીય અજય વિષ્ણુ પ્રસાદ યાદવ અને નવસારીની શાંતિવન સોસાયટી – 2 માં રહેતા અને ખેપિયા 49 સંજીવકુમાર ઠાકોર અમીનની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો દમણના બુટલેગર પપ્પુ પાસેથી લાવ્યા હતા. જેથી પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 35 હજારની ઓટો રીક્ષા અને 5500 રૂપિયાના બે મોબાઈલ ફોન્સ મળી કુલ 67,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર પપ્પુને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાથે જ ખેરગામ પોલીસ મથકના ચોપડે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version