સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે કર્યો નિર્ણય, સનાતન સંસ્કૃતિની આમન્યા જાળવાવા અપીલ
નવસારી : નવસારીના બીલીમોરા સ્થિત દક્ષિણના સોમનાથ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ પર ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં બેનર લગાવી શિવભકતોને ટૂંકા વસ્ત્રો પહેરી ન પ્રવેશવાની અપીલ પણ કરવામાં આવી છે.
શ્રાવણમાં સોમનાથ મંદિરે લાખોની સંખ્યામાં આવે છે શિવભક્તો
સનાતન ધર્મમાં ભગવાનના દર્શન, પૂજન માટે વિધિવિધાન છે. ભગવાનને રીઝવવા ભક્તે ભક્તિપથ પર ચાલવા શું કરવું જોઈએ એની માહિતી પણ શાસ્ત્રોમાં છે. પરંતુ આધુનિકતાની આંધળી દોડમાં ભક્તો ભગવાનના દર્શને વિકૃતિ જન્માવે એવા વસ્ત્રો પહેરીને પહોંચી જાય છે. ત્યારે ગુજરાતના મંદિરોના સંચાલક મંડળ દ્વારા ભક્તો સનાતન ધર્મની આમન્યા જાળવી, મંદિરમાં પ્રવેશ કરે એવી અપીલ કરી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં લોકો ભગવાન ભોળાનાથના દર્શને આવતા હોય છે. જેમાં રવિવારે દૂર દૂરથી ચાલીને સોમવારે શિવજીના દરબારમાં પહોંચે છે. ત્યારે મંદિરમાં આવતા શિવભક્તો ક્યારેક બરમુડા, હાફપેન્ટ, સ્કર્ટ, સ્લીવ લેસ ડ્રેસ જેવા વિકૃતિ જગાડતા વેસ્ટર્ન સ્ટાઈલ કપડા પહેરીને આવે છે. જેને જોતા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તો પર પ્રતિબંધ લગાવતો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને શિવભકતોએ આવકાર્યો છે.
મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધના લગાવ્યા બેનર
ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરવા માટેના બેનર પણ મંદિર પરિસરમાં લગાવવામાં આવ્યા છે. જેની સાથે જ મંદિરમાં સ્વયંસેવકો, સિક્યુરીટી ગાર્ડ અને ખુદ ટ્રસ્ટીઓ પણ સોમનાથ મંદિરની ગરિમા જળવાય એ માટે ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તો પર નજર રાખશે. ટૂંકા વસ્ત્ર પહેરીને આવનાર ભક્તને સમજાવીને પાછો મોકલાશે અને સનાતનની આમન્યા જળવાય એવા વસ્ત્રો પહેરી આવવા અપીલ કરાશે.