મહિલા વાળુ કરીને ચાલવા નીકળી હતી, બાઇક પર આવેલા સ્નેચરોએ કરી કરામત
નવસારી : નવસારીના ગણેશ સિસોદ્રા ગામે રાતનું વાળુ કરીને ચાલવા નીકળેલી આધેડ મહિલાના ગળામાંથી 80 હજારનું સોનાનું મંગળસૂત્ર તોડીને બાઇક સવાર સ્નેચરો ધૂમ સ્ટાઈલમાં ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસને વેગ આપ્યો છે.
સ્પોર્ટ્સ બાઇક પર આવેલા સ્નેચરો GIDC તરફ ભાગ્યા
મળતી માહિતી અનુસાર, નવસારી તાલુકાના અને નેશનલ હાઇવે નં. 48 ની નજીક આવેલા ગણેશ સિસોદ્રા ગામના પંચાલ સ્ટ્રીટમાં રહેતા અનિતાબેન બકુલ મિસ્ત્રી રાતે વાળુ કરીને લગભગ 8:20 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ચાલવા નીકળ્યા હતા. દરમિયાન ગામના મુખ્ય રસ્તા પર પહોંચતા જ સ્પોર્ટ્સ બાઇક પર આવેલા બે અજાણ્યા લૂટારૂઓએ તેમના ગળામાં પહેરેલા અંદાજે 80 હજાર રૂપિયાના બે તોલા સોનાના મંગળસૂત્ર પર ઝાપટ મારી, તેને ઝાટકા સાથે તોડીને ધૂમ સ્ટાઈલમાં ગણેશ સિસોદ્રા નજીક આવેલ કબીલપોર GIDC તરફ ભાગી છૂટ્યા હતા. અચાનક થયેલા હુમલાને કારણે અનિતાબેન ડઘાઈ ગયા હતા અને મંગળસૂત્ર ઝાટકા સાથે તોડતા તેઓ રસ્તા પર ફસડાઈ પડ્યા હતા. જોકે અનિતાબેને ચેઈન સ્નેચરોને પકડવા બુમાબુમ કરી હતી, પણ બાઇક સવારો આંખના પલકારામાં ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમરાઓના ફૂટેજ ચેક કરવા સાથે જ બાઇક અને સ્નેચરોના વર્ણનને આધારે તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સાથે જ ઘટના સંદર્ભે અનિતાબેન મિસ્ત્રીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.