ટાટા હાઈસ્કૂલના 4 વિદ્યાર્થીઓએ એર રાયફલ સ્પર્ધામાં મેળવ્યા ગોલ્ડ મેડલ
નવસારી : નવસારીની ટાટા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી ચુક્યા છે. ત્યારે ગત દિવસોમાં નવસારી જિલ્લા કક્ષાની એર રાયફલ – પિસ્તોલ ચેમ્પિયનશીપમાં નવસારીની ટાટા હાઈસ્કૂલના 4 વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાને રહી ગોલ્ડ મેડલ પોતાને નામે કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.
બીલીમોરામાં જિલ્લા કક્ષાની એર રાયફલ, પિસ્તોલ ચેમ્પિયનશીપ યોજાઈ
નવસારીના બીલીમોરા શહેરમાં ગત દિવસોમાં નવસારી જિલ્લા એર રાયફલ – પિસ્તોલ ચેમ્પિયનશીપ 2023 યોજાઈ હતી. જેમાં અલગ અલગ ઉંમરના શૂટર્સ ભાગ લઇ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધામાં નવસારીની રમત ગમત ક્ષેત્રે અગ્ર હરોળમાં રહેનારી ધી ડી. કે. ટાટા હાઈસ્કૂલના 4 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં યુથ મેન કેટેગરીમાં દેવ શ્યામપ્રકાશ કુરીલેએ પ્રથમ રહીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. જયારે યુથ મેન અને સબ યુથ મેન કેટેગરીમાં અનસઅલી સૈયદ, જુનિયર મેન કેટેગરીમાં નજીબઅલી સૈયદ, એર પિસ્તોલમાં યુથ મેન અને જુનિયર મેન કેટેગરીમાં મૌલિક પવનકુમાર પુરોહિત તમામે પ્રથમ રહીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આમ શાળાના 4 વિદ્યાર્થીઓએ એર રાયફલ અને પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળા અને નવસારીને ગૌરવ અપાવ્યુ છે.