ધામધૂમા ખાતે દારૂ પહોંચાડનારા ત્રણ વોન્ટેડ
નવસારી : ખેરગામના ધામધૂમા ગામે ખેતરના ઓરડામાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે ખેરગામ પોલીસે છાપો મારતા 71 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી હતી, જયારે દારૂ પહોંચાડનારા ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
બુટલેગર કાંતિ પટેલે ખેતરની ઓરડીમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો
મળતી માહિતી અનુસાર, નવસારીના ખેરગામ તાલુકાના ધામધૂમા ગામે દાદરી ફળિયામાં કાંતિ પટેલના ખેતરના ઓરડામાં વિદેશી દારૂ છુપાવીને મુક્યો હોવાની બાતમી મળતા જ ખેરગામ PSI ડી. આર. પઢેરીયા અને તેમની ટીમે ધામધૂમા ગામે પહોંચી પેલાડ ફળિયામાં રહેતા બુટલેગર કાંતિ રડિયા પટેલને પકડી પાડ્યો હતો. બાદમાં તેને સાથે રાખી પોલીસે દાદરી ફળિયામાં બાતમીવાળી જગ્યાએ છાપો મારતા ખેતરના ઓરડામાંથી 71,600 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 543 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂના જથ્થાને કબજે લઇ બુટલેગર કાંતિ પટેલની ધરપકડ કરી હતી. સાથે જ તેની પૂછપરછ દરમિયાન ખેરગામના પાણી ખડક ગામનો હિરલ ઉર્ફે બચું ધીરૂભાઈ, ખેરગામના વડપાડા ગામે રહેતો છોટુ અને ખેરગામના જ ડેબરપાડા ખાતે રહેતો ધર્મેશ ઉર્ફે ધમો આપી ગયા હોવાનું જણાવતા, પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરીને ખેરગામ પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.