નવસારી : નવસારીના ટાંકલથી રાનકુવા માર્ગ પર અને રાનકુવા ગામ નજીક નેરોગેજ ટ્રેનના ફાટક પહેલાના વળાંક પાસે પુર ઝડપે આવતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ કાર રસ્તો છોડીને કિનારે આવેલ ચાની દુકાનમાં ઘુસી ગઈ હતી. સદ્દનસીબે અકસ્માતમાં કાર કોઈ જાનહાની થઇ ન હતી. અકસ્માતના સીસીટીવી વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
સદ્દનસીબે કોઈ જાનહાની નહીં, સમાધાન થતા પોલીસ ફરિયાદ ટાળી
નવસારીથી વાંસદા કે સાપુતારા જવા માટે નેશનલ હાઇવે નં. 48 પરથી શોર્ટકટ માર્ગ ખારેલ ચોકડીથી ટાંકલ થઈને રાનકુવા ચોકડી સુધીનો છે. આ માર્ગ પરથી રોજના હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હોય છે. ત્યારે ગત રોજ રાનકુવા નજીક નેરોગેજ ટ્રેનની ફાટકથી થોડે આગળના વળાંક પર પુર ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ચાલકે કાર કાબુમાં કરવા બ્રેક મારી પણ કંટ્રોલ ન કરી શકતા, કાર નજીકમાં આવેલા શોપિંગ સેન્ટરમાં બેઠક ચા હાઉસ નામની દુકાન બહાર મુકેલા કાઉન્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે સામેથી કોઈ વાહન આવતું ન હોય, મોટો અકસ્માત થતા રહી ગયો હતો. જ્યારે અકસ્માતમાં કાર અને દુકાનના કાઉન્ટરને નુકશાન થયુ હતુ, સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. અક્સ્માતના સીસીટીવી કેમેરાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ દુકાનદાર અને કાર ચાલક વચ્ચે સમાધાન થતા અકસ્માત મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ થઇ ન હતી.