નવસારી : શ્રાવણ મહિનો આવતા જ જુગારીયાઓ સક્રિય થઇને મોટો જુગાર રમતા હોય છે, ત્યારે નવસારી LCB પોલીસે મળેલી બાતમીને આધારે ગણેશ સિસોદ્રા ગામના વેરાઇ ફળિયામાં તીનપત્તીનો જુગાર રમતા 4 શકુનિઓને રંગે હાથે પકડી પાડ્યા હતા.
ચારેય આરોપીઓ પોતાનો ધંધો કરે છે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રા ગામે વેરાઇ ફળિયાની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો રૂપિયા ઉપર હાર જીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારતા ચાર યુવાનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ગણેશ સિસોદ્રાના વેરાઇ ફળીયામાં જ રહેતા અશોક દલુ હળપતિ (35), દરજી ફળિયામાં રહેતા નીખીલ રાજેશ પટેલ (૩૩), ગોચર ફળિયામાં રહેતા વિનોદ સબીર ગરાસીયા (46) અને નવસારીના ધરાગીરી વિસ્તારમાં સાઇલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા પરિમલ રાજુ મૈસુરીયા (૩૩) ની ધરપકડ કરી હતી. સાથે જ દાંવમાં મુકેલા અને આરોપીઓ પાસેથી મળીને કુલ 12,180 રૂપિયા રોકડા તેમજ જુગારના સાધનો, 4 મોબાઈલ ફોન અને બે બાઇક મળી કુલ 1,72,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે આગળની તપાસને વેગ આપ્યો છે