દક્ષિણ-ગુજરાત

“ ગુરૂ માં “ ની 12 મી પૂણ્યતિથી સેવાકાર્યોથી ઉજવાશે

Published

on

3000 ગરીબ પરિવારોને સુકો આહાર સાથેના લંચબોક્ષ અપાશે

નવસારી : ભગવાન કરતા એમની ભાવના યુગો યુગો સુધી જીવિત રહે છે અને પૂ. ચંદ્રશેખર વિજયજી મહરાજ જીવદયા સાથે માનવતાના કાર્યોને અધિક મહત્વ આપતા હતા. ત્યારે એમની સ્વર્ગારોહણની 12 મી પુણ્યતિથીએ નવસારીના સકલ જૈન સંઘ થકી વિવિધ સેવાકિય કાર્યો કરી ગુરૂદેવની ભાવનાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. જેમાં ખાસ 3000 ગરીબ પરિવારોને સુકો આહાર સાથે ગુપ્તદાન સાથેના લંચબોક્ષ આપીને અનુકંપા કરાશે.

જિનાલયો અને તપોવન સંસ્કાર ધામના કર્મચારીઓનું કરાશે બહુમાન

નવસારીને પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર ભારતમાં જીવદયા અને માનવતાનો સંદેશો આપનાર પૂ. પન્યાસ પ્રવર ગુરૂદેવ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની 26 ઓગસ્ટ ના રોજ 12 મી પૂણ્યતિથી છે. ગુરૂ માં ના હુલામણા નામે જાણિતા પૂ. ગુરૂદેવે નવસારીમાં 40 વર્ષ અગાઉ તપોવન સંસ્કાર ધામની સ્થાપના કરી બોર્ડીંગ અને ડે સ્કૂલ શરૂ કરી હતી. ત્યારબાદ અમદાવાદ તેમજ સુરત, સુરેન્દ્રનગર, જામનગર, મુંબઈ વિગેરે સ્થળોએ પણ સંસ્કાર સાથે શિક્ષણની અલખ જગાવી હતી. વર્ષો અગાઉ ભારત સરકારે નવા કતલખાના શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો દ્રઢતાથી વિરોધ કરીને કતલ ખાના શરૂ થવા પહેલા જ નિર્ણય પાછો લેવડાવ્યો હતો. આવા અનેકવિધ કાર્યો થકી ગુરૂદેવે ભગવાનની ભાવનાને જન જન સુધી પહોંચાડી હતી. ત્યારે શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં ચાતુર્માસ કરી રહેલા પૂ. ચંદ્રશેખર વિજયજી મહારાજના પ્રથમ શિષ્ય પૂ. આચાર્ય ચન્દ્રજિતસૂરીજી મહારાજ અને પૂ. પન્યાસ ઇન્દ્રજિતવિજયજી મહારાજની નિશ્રામાં નવસારીના સકળ સંઘ દ્વારા પૂ. ગુરૂદેવની સ્વર્ગારોહણની 12 મી પુણ્યતિથી નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કર્યુ છે. જેમાં સમસ્ત નવસારી જૈન સંઘના 1200 મુમુક્ષુઓ સામુહિક આયંબિલ તપ કરશે. જેની સાથે જ જીવદયાના કાર્યો, નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન વિતરણ, નવસારીના અનાથાશ્રમ અને સાર્વજનિક શાળાઓમાં બાળકોને ભોજન, 150 જરૂરીયાતમંદ જૈન સાધાર્મિક પરિવારોને અનાજ કરીયાણાની કીટ વિતરણ સાથે જ નવસારીના સમસ્ત જિનાલયો અને તપોવન સંસ્કારધામમાં કાર્યરત કર્મચારીઓનું યોગ્ય બહુમાન કરવામાં આવશે.

આચાર્ય ચન્દ્રજિતસૂરિજી મહારાજ “ ગુરૂ માં “ ના જીવન ઉપર આપશે પ્રવચન

પૂ ચંદ્રશેખર વિજયજી મહારાજ એટલે પૂ. “ ગુરૂ માં “ ની 12 મી પૂણ્યતિથી અવસરે આદિનાથ જૈન સંઘમાં પૂ. ગુરૂદેવના પ્રથમ શિષ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજ દ્વારા 18 વર્ષે શ્રીમંત પરિવારને છોડી દિક્ષા ગ્રહણ કર્યા બાદ પૂ. ગુરૂદેવના જીવન સંદેશ, તેમની ભાવના ઉપર પ્રવચન આપી, જૈન શ્રાવકો સુધી પહોંચાડશે. સાથે જ જૈન પરિવારો દ્વારા 3000 લંચ બોક્ષમાં ફરસાણ મીઠાઈ જેવો સુકો આહાર અને તેની સાથે તેમનાં ભાવ મુજબનું ગુપ્તદાન મુકી નવસારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વિસ્તારોના 3000 ગરીબ પરિવારોને લંચ બોક્ષનું વિતરણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version