પોલીસે 12930 નો મુદ્દામાલ કબજે કર્યો
નવસારી : ચીખલીના ઘેજ ગામે શ્રાવણિયો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ખેરગામ પોલીસે ઘેજના નાયકીવાડમાં ભ્રહ્મદેવ મંદિર પાસે છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા ચાર જુગારીયાઓને 12930 રૂપિયાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જયારે એક ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.
નાયકીવાડમાં ઓટલા પર બેસી રમી રહ્યા હતા તીનપત્તીનો જુગાર
મળતી માહિતી અનુસાર, શ્રાવણ મહિનામાં મોટા પાયે લોકો જુગાર રમે છે. જેથી રૂપિયા પર જુગાર રમતો અટકાવવા પોલીસ પણ સક્રિયતાથી કામ કરે છે. જેમાં ગત રોજ મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન ખેરગામ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ચીખલી તાલુકાના ઘેજ ગામે નાયકીવાડમાં ભ્રહ્મદેવ મંદિરના ઓટલા પર કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારી, મંદિરના ઓટલે બેસીને જુગાર રમતા ઘેજ ગામના જ વિજય ઠાકોર પટેલ, મનોજ ગોપાલ પટેલ, મુકેશ ગોપાલ પટેલ અને નાનું જગન પટેલને રંગે હાથ પકડી પાડ્યા હતા. જયારે પોલીસને જોઈને હિતેશ અમ્રત પટેલ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં મુકેલા 2330 રૂપિયા અને આરોપીઓ પાસેથી મળેલા 10600 રૂપિયા મળીને કુલ 12930 રૂપિયા રોકડા અને જુગારના સાધનો કબજે કરી ખેરગામ પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.