અપરાધ

ગણદેવીના અજરાઈ ગામ નજીક પુર ઝડપે દોડતી કાર ત્રણ ઢોર સાથે અથડાઈ

Published

on

અકસ્માતમાં ત્રણ ઢોરના મોત, કાર ચાલક ઘાયલ

નવસારી : નવસારી-ગણદેવી માર્ગ પર ગણદેવીના અજરાઈ ગામ નજીક આજે વહેલી સવારે પુર ઝડપે નવસારી તરફ દોડી રહેલી કારના ચાલકે રસ્તા પર રખડતા ઢોરને અડફેટે લેતા કારનો ખુરદો બોલી ગયો હતો, અકસ્માતમાં બે પાડા અને એક વાછરડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે કાર ચાલક ગંભીર રીતે ઘવાતા નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગણદેવી પાસે અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર અકસ્માત નોતરે છે..!!

મળતી માહિતી અનુસાર, નવસારી ગણદેવી માર્ગ પર ગણદેવી આસપાસના વિસ્તારોમાં અને ખાસ કરીને રાજ્ય ધોરીમાર્ગ પર રખડતા કે રસ્તા પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર અકસ્માત નોતરે છે. આજે પણ વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ગણદેવીથી નવસારી આવી રહેલી એક કારના ચાલકે મળસ્કે અંધારામાં રખડતા ઢોર ન દેખાતા તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો અને કાર ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જયારે કાર સાથે અથડાતા બે પાડા અને એક વાછરડાનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતનો અવાજ સંભાળીને ગ્રામજનો રસ્તા પર દોડી આવ્યા હતા અને કાર ચાલકને ઘાયલ હાલતમાં કારમાંથી બહાર કાઢી, નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે બીલીમોરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સવારે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ગણદેવી પોલીસે કાર અને મુર્તક ઢોરને રસ્તા પરથી ખસેડ્યા હતા. જયારે સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ હાથ ધરી હતી.

મૃતક ઢોર પાલતું હોવાનું ખુલ્યું

ગણદેવીના અજરાઈ ગામ નજીક અકસ્માતમાં મોતને ભેટલા ત્રણેય ઢોર પાલતું હોવાનું સામે આવ્યું હતું. ઢોરના કાનમાં ટેગિંગ કરવામાં આવ્યું હોવાથી પોલીસે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઢોર માલિકને શોધવાના પ્રયાસો પણ આરંભ્યા હતા. જોકે પાલતું ઢોર વહેલી સવારે રસ્તા પર કેવી રીતે પહોંચ્યા એની સામે પણ સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

અગાઉ પણ અકસ્માતમાં ઢોર મોતને ભેટ્યા હતા

ગણદેવી તાલુકામાં રખડતા ઢોરની મોટી સમસ્યા છે. ગણદેવીથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ અને આંતરિક રસ્તાઓ પર મોટી સંખ્યામાં રખડતા ઢોર કે રસ્તા પર અડીંગો જમાવીને બેસી રહેતા લાવારીશ ઢોર અકસ્માત સર્જતા રહે છે. જેમાં ઘણા લોકો ઢોર સાથે અથડાઈને ઘાયલ થયા છે, તો કેટલાક જીવન મરણ વચ્ચે પણ પહોંચ્યા હતા. અગાઉ ગણદેવી ચાર રસ્તા પાસે જ ભારે વાહનની અડફટે ચઢતા 7 ઢોર મોતને ભેટ્યા હતા. ત્યારે તંત્ર રખડતા ઢોરને રસ્તા પરથી હટાવવા કોઈ ચોક્કસ નિયમ બનાવે અને તેની કડકાઈથી અમલવારી પણ કરે એવી લોક લાગણી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version