શહેરમાં લાગલી પોલીસની ત્રીજી આંખથી બચી ન શકી મહિલાઓ
નવસારી : નવસારી શહેરના ઘરો અને વાડીઓમાંથી કિંમતી વાસણો ચોરી થવાની ફરિયાદો ઉઠતા હરકતમાં આવેલી નવસારી પોલીસે શહેરમાં લગાવેલી ત્રીજી આંખને કામે લગાડી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને વાસણો ચોરીને લઇ જતી બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં જણાતા જ પોલીસે બંનેનું પગેરૂ શોધી ઝડપી પાડી છે. સાથે જ 18 હજારના ચોરીના વાસણો પણ કબ્જે લીધા છે.
બંને મહિલાઓ રેકી કર્યા બાદ વાસણો ચોરતી હતી
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ઘરમાંથી કે વાડીમાંથી કિંમતી તાંબાના વાસણો ચોરાવાની ફરિયાદો ઉઠતા જ નવસારી ટાઉન પોલીસ સતર્ક થઇ હતી. જેમાં પોલીસે બાતમીદારોને એક્ટીવ કરવા સાથે જ શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ હેઠળ લગાવેલી ત્રીજી આંખ (સીસીટીવી કેમરા) ના ફૂટેજ પણ ફંફોસ્યા હતા. જેમાં ત્રીજી આંખમાં ચોર મહિલાઓ માથે વાસણ મુકીને જતી જણાતા, પોલીસે બંનેનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા અને સફળતા મળી હતી. નવસારીના તીઘરાના અલીફ નગર પાસેથી તાંબાની એક મોટી અને બે નાની ડેગ 10 કિલો તાંબાના ટૂકટાઓ મળી આવ્યા હતા અને એને લાવનાર મહિલાઓ સુધી પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે તીઘરા નવીવસાહત ખાતે રહેતી 35 વર્ષીય નુરી ફિરોઝ શાહ અને 25 વર્ષીય સોનિયા કલ્પેશ રાઠોડને પકડી પૂછરપછ કરતા બંનેએ વાસણો ચોરી કર્યાની કબુલાત કરી હતી. બંને મહિલાઓએ થોડા દિવસો અગાઉ શહેરના નાની પડ્યા ખડકીમાં રહેતા ઉર્વીશ મોદીના લાયબ્રેરી રોડ પાસે સૌરસ હોટલની બાજુમાં આવેલા બંધ પડેલા મિસ્ત્રી નિવાસ નામના મકાનમાંથી ચોરી કર્યા હતા. જેથી પોલીસે 18500 રૂપિયાના કિંમતી તાંબાના વાસણો કબજે કરી નવસારી ટાઉન પોલીસ મથકે નુરી શાહ અને સોનિયા રાઠોડ સામે ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.