દક્ષિણ-ગુજરાત

નવસારીમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર : ખેરગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો

Published

on

નવસારી અને ઉપરવાસમાં સારા વરસાદથી જિલ્લાની નદીઓ બંને કાંઠે

નવસારી : લાંબા વિરામ બાદ શરૂ થયેલી મેઘ મહેર આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ગત 24 કલાકમાં નવસારીના ખેરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ખેતીને નવું જીવન મળ્યું છે, સાથે જ નવસારી સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી ત્રણેય મુખ્ય નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. જોકે સવારે પૂર્ણામાં જળ સપાટી 18.50 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો હતો, પણ વરસાદે વિરામ લેતા નદીનું જળસ્તર સતત ઘટી રહ્યુ છે.

પૂર્ણા નદીની જળ સપાટી 18.50 ફૂટે પહોંચી

ગ્લોબલ વોર્મિંગની અસરે વરસાદની પેટર્ન બદલી છે, જેના કારણે ગત જુન જુલાઈમાં પડેલા ભારે વરસાદ બાદ મેઘરાજાએ મહિનાથી વધુ સમય માટે વિરામ લીધો હતો. વરસાદ ગાયબ થતા નવસારીમાં ગરમી 35 ડીગ્રી નજીક પહોંચતા લોકો ભર ચોમાસે ભારે બફારા સાથે ઉકળાટ અનુભવી રહ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર રહેતા નવસારીના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નવસારી જિલ્લાના 6 તાલુકાઓમાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં 94 મિમી એટલે કે 3.91 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી સહિત ઉપરવારના જિલ્લાઓમાં વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઇ છે. જેમાં પણ નવસારી વિજલપોર શહેરને અડીને આવેલી પૂર્ણા નદીમાં જળસ્તર વધીને 18.50 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી હતી. જોકે વહેલી સવારથી જ વરસાદ નહીવત રહેતા નદીના જળસ્તરમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો અને નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ કાવેરી નદી પણ 10 ફૂટે પહોંચતા ઘણા ગામોમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા.

નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

નવસારી : 27 મિમી (1.12 ઇંચ), જલાલપોર : 24 મિમી (1 ઇંચ), ગણદેવી : 37 મિમી (1.54 ઇંચ)

ચીખલી : 53 મિમી (2.20 ઇંચ), ખેરગામ 94 મિમી (3.91 ઇંચ) અને વાંસદા : 48 મિમી (2 ઇંચ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version