અગાઉ દંતાણી પરિવારના બે ભાઈઓની પણ થઇ હતી ધરપકડ
નવસારી : નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો દંતાણી ટોળકીના વોન્ટેડ આરોપીને નવસારી ટાઉન પોલીસે બાતમીએ આધારે શહેરના રામજી મંદિર પાસેથી દબોચી લીધો હતો. મોબાઈલ ચોરીના આ પ્રકરણમાં અગાઉ દંતાણી પરિવારના બે ભાઈઓ પોલીસને હાથે પકડાઈ ચુક્યા હતા.
આરોપી પ્રહલાદ દંતાણી સામે 14 ગુનાઓ નોંધાયા છે
મળતી માહિતી અનુસાર, પખવાડિયા અગાઉ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતી ટોળકીના રણજીત દંતાણીને શહેરના શહીદ ચોક વિસ્તારમાંથી પકડી પડ્યો હતો. જેની પૂછપરછમાં મોબાઈલ ચોરીના ગુનામાં તેના બે ભાઈઓ પ્રહલાદ અને રવિ પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેથી ટાઉન પોલીસે પ્રેમિકા સાથે વિજલપોરમાં રહેતા રવિ દંતાણીની ધરપકડ કરી, બંને પાસેથી ચોરીના 7 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. જોકે મુખ્ય આરોપી પ્રહલાદ દંતાણી પોલીસ પકડથી દૂર રહ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરતા ગત રોજ ટાઉન પોલીસની ટીમે બાતમીને આધારે પ્રહલાદ નટવર દંતાણીને નવસારીના રામજી મંદિર ખાતેથી દબોચી લીધો હતો. આરોપી પ્રહલાદ પાસેથી પોલીસે 15 હજાર રૂપિયાનો એક ચોરીનો મોબાઈલ ફોન કબ્જે લઇ તેની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેની સામે ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના 14 ગુનાઓ નોંધાયા છે. જેથી 15 દિવસોમાં જ નવસારી ટાઉન પોલીસે મોબાઈલ ચોરીમાં રીઢા ગુનેગાર એવા દંતાણી ભાઈઓને જેલ પાછળ ધકેલી દીધા છે.