અપરાધ

58 વર્ષ અગાઉ અવસાન પામેલા વૃદ્ધની કરોડોની જમીન પચાવી પાડી, 9 સામે ફરિયાદ

Published

on

જમીન પચાવી પાડવાનો કારસો રચનારા મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

નવસારી : આજના દિવસોમાં સૌથી વધુ રૂપિયા જમીનમાં મળે છે. જમીન દલાલી હોય કે સરકારી પ્રોજેક્ટ, બંનેમાં લાખો કરોડો રૂપિયા બની જાય છે. ત્યારે નવસારીના ગામડાઓમાં લાંબા સમયથી પડી રહેલી કે જમીનના વૃદ્ધ માલિક કે તેના વારસદારો ન હોય કે NRI હોય એવી જમીનો બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાના કિસ્સાઓ વધ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલી કરોડોની  15 વીઘા જમીનના માલિક 58 વર્ષ પૂર્વે અવસાન પામ્યા હોવા છતાં વર્ષ 2022 માં NRI બતાવી, જમીન પચાવી પાડવાનો કારસો રચનારા મુખ્ય બે આરોપીઓને ચીખલી પોલીસે દબોચી પડ્યા છે. જયારે એક NRI સહિત 7 ને વોન્ટેડ જાહેર કર્યા છે.

ભેજાબાજોએ કદી લંડન ન ગયેલા મૃતક વૃદ્ધને NRI બતાવી, તેમની પાવર ઓફ એટર્ની પણ બનાવી

નવસારીના ચીખલી તાલુકાના બામણવેલ ગામે રહેતા ઇસપ અભરામ માયાતની ચીખલીના જ ખુંધ ગામે બ્લોક સર્વે નં. 446 વાળી 15 વીઘા જમીન આવી છે. પરંતુ વર્ષ 1964 માં મૃત્યુ પામેલા ઇસપ માયાતના સીધા વારસદારો ન હોવાનું જાણતા બામણવેલ ગામના જ અશરફ કાનમી, અનવર કાનમી તથા  તેના કાકા ભાઈ સાકીબ કાનમીએ કરોડો રૂપિયાની ખુંધ ગામની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જેમાં સાકીબ કાનમીએ સુરતના માંગરોળના નાની નરોલીના મો. સુફિયાન જીવાને રૂપિયાની લાલચે સાથે લીધો હતો. બાદમાં તેના ભાઈ અને NRI અલ્તાફ કાનમીના લંડનના એડ્રેસ પર 58 વર્ષ અગાઉ અવસાન પામેલા અને ક્યારેય વિદેશ નહી ગયેલા ઇસપ માયાતની પાવર ઓફ એટર્ની જાન્યુઆરી 2022 માં બનાવી, સુરતના મો. સુફિયાન જીવાને નામે કરીને મોકલી હતી. બાદમાં ફેબ્રુઆરી 2022 માં ચીખલી ખાતે મો. સુફિયાને પાવર ઓફ એટર્નીને આધારે પ્રથમ સાકીબ કાનમીના નામે દસ્તાવેજ કર્યો હતો. જેના 6 મહિના બાદ સાકીબે, તેના ભાઈ અનવર કાનમીના સસરા અને ચીખલીના કાંગવઈ ખાતે રહેતા હશન મહમદ ઈશાતને નામે દસ્તાવેજ નોંધાવ્યો હતો.

જમીન પચાવી પાડી હોવાની જાણ મૃતકના ભાણેજને થતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યુ

સમગ્ર પ્રકરણની જાણ મૃતક ઇસપ માયાતના ભાણેજ ઝુબેર માયાતને થતા તેણે ચીખલી સબ રજીસ્ટ્રારમાં તપાસ કરી, આરોપી મો. સુફિયાન જીવાની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ઝુબેર માયાતે ચીખલી પોલીસ મથકે ઇસપ માયતના નામે વિદેશથી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનારા અનવર કાનમી, અશરફ કાનમી, સાકીબ કાનમી, મો. સુફિયાન જીવા, અલતાફ કાનમી તેમજ પાવર ઓફ એટર્નીમાં સહી કરનારા મહમદ અનાસ શેખ અને મહમદ ઝૈદ શેખ તેમજ દસ્તાવેજ પર સહી કરનારા સિરાજ કાનમી તેમજ સાકીબ પાસે જમીન પોતાના નામે દસ્તાવેજ કરાવનારા હશન ઈશાંતની સામે ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસે મો. સુફિયાન જીવા અને સાકીબ કાનમીની ધરપકડ કરી હતી. સાથે જ બાકીના 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Click to comment

Trending

Exit mobile version