નવસારી : વર્ષોના શિક્ષણ સાથે સરકારી શિક્ષક બનવા માટે ટેટ-ટાટની દ્વિસ્તરીય પરીક્ષા પાસ કર્યા બાદ પણ 11 મહિનાના કરાર પર જ્ઞાન સહાયક યોજના હેઠળ શિક્ષકની નોકરીનો નવસારીના શિક્ષિક બનવાના સપના જોતા યુવાનો વિરોધ કરી રહ્યા છે. જેથી આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યુવાનોએ ચીખલીમાં રેલી કાઢીને ચીખલી મામલતદારને આવેદનપત્ર આપી, સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરે એવી માંગ કરી હતી. નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
વર્ષોનો અભ્યાસ, દ્વિસ્તરીય ટેટ-ટાટની પરીક્ષા પાસ, પછી પણ કરાર આધારિત નોકરીથી યુવાનોમાં રોષ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલવા માટે કાયમી શિક્ષકોની ભરતીને બદલે હાલ જ્ઞાન સહાયક યોજના લાગુ કરી છે. જેમાં જરૂરી શિક્ષણ સાથે ટેટ-ટાટની દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલ યુવાનોની પસંદગી કરવામાં આવશે. જેથી અંદાજે 24 વર્ષો સુધી શિક્ષણ મેળવ્યા બાદ શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક દ્વિ સ્તરીય પરીક્ષા પણ પાસ કરીને સરકારી પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષક બનવાના સપના જોતા લાખો યુવાનો નિરાશ થયા છે. શાળામાં વિદ્યાર્થીઓનું ઘડતર શિક્ષક જ કરે છે, પણ 11 મહિનાના કરાર આધારિત શિક્ષક હશે, તો એ બાળકની છુપી શક્તિઓને કેવી રીતે ઓળખી શકશે. સાથે જ વર્ષો સુધી મહેનત કર્યા બાદ જરૂરી ટેટ ટાટની પરીક્ષા પણ પાસ કરી અને કાયમી શિક્ષકને બદલે જ્ઞાન સહાયકની સરકારી લોલીપોપ સામે નવસારીના શિક્ષક બનવાના સપના જોતા યુવાનોમાં રોષ વ્યાપ્ત છે.
વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં શિક્ષક બનવા ઈચ્છુક યુવાનોએ આજે ચીખલી સર્કીટ હાઉસ ખાતેથી મોટી સંખ્યામાં હાજર રહી આદિવાસી વાજિંત્રોના તાલે, ‘ જ્ઞાન સહાયક યોજના, રદ્દ કરો, રદ્દ કરો ‘ ના નારા સાથે રેલી કાઢી હતી. જે ચીખલીના રાજમાર્ગ પરથી ફરીને ચીખલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં ધારાસભ્ય અને શિક્ષક ઉમેદવારોએ મામતલદારને આવેદનપત્ર આપી જ્ઞાન સહયાક યોજના રદ્દ કરવાની માંગ કરી હતી. જો સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ ન કરે અને કાયમી શિક્ષકોની ભરતી ન થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.