રેલ્વે ગરનાળામાં પાણી ભરાવાથી રેલ્વે ફાટક પર ટ્રાફિક જામની સ્થિતિ
નવસારી : નવસારીમાં ગત મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો, જેમાં પણ સવારના બે કલાકમાં જલાલપોરમાં 1 અને નવસારીમાં પોણો ઇંચ વરસાદ વરસતા નવસારી રેલ્વે સ્ટેશન નજીકના રેલ્વે ગરનાળામાં વરસાદી પાણી ભરતા વાહન વ્યવહાર બંધ થયો હતો. જેને કારણે સવારમાં હજારો લોકોને રેલ્વે ફાટક પાસે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.
ગરનાળામાં પાણી ભરતા પાલિકાએ JCB અને મોટરના સહારે પાણી કાઢવાના કર્યા પ્રયાસો
નવસારી સહિત જિલ્લામાં ગત મોડી રાતે 10 વાગ્યાથી પવનના સુસવાટા અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ વહેલી સવારે 4 વાગ્યા બાદ વરસાદ બંધ થયો હતો, પરંતુ ભારે વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. દરમિયાન ફરી 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં નવસારીમાં પોણો ઇંચ અને જલાલપોરમાં 1 ઇંચ વરસાદ વરસતા નવસારી રેલ્વે સ્ટેશન નજીકના ગરનાળામાં પણ વધુ પાણી ભરાતા પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી પૂર્વમાં જનારા હજારો લોકોની અવર જવર અટકી હતી. ગરનાળામાં પાણીના ભરાવાને કારણે લોકોએ રેલ્વે ફાટકનો સહારો લેવો પડ્યો હતો, પરંતુ ફાટક લાંબો સમય બંધ રહેવાથી હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. બીજી તરફ નવસારી વિજલપોર પાલિકાએ ગરનાળામાં ભરાયેલા પાણીને કાઢવાના પ્રયાસો આરંભ્યા હતા. પાલિકાએ JCB મશીન અને પાઈપ સાથે મોટર મૂકીને ગરનાળામાં ભરાયેલા પાણીને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટતા પાણી ઓસરવા માંડતા પાલિકાએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રેલ્વે ફાટક પાસે DFCC પ્રોજેક્ટને કારણે રેલ્વે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે, જે 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પણ 3 વર્ષો વીતવા બાદ પણ પુલ હજી પૂર્ણ થયો નથી. જેથી હજી પણ શહેરીજનોએ રેલ્વે ઓવરબ્રિજ પૂર્ણ થવામાં લાંબા સમય રાહ જોવા પડશે.