દક્ષિણ-ગુજરાત

નવસારીમાં વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો

Published

on

ગણપતિ જોવા નીકળેલા ભક્તોને પડી મુશ્કેલી

નવસારી : નવસારીમાં ત્રણ દિવસની વરસાદી આગાહી વચ્ચે ગત મોડી રાતે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસતા શ્રીજીના દર્શનાર્થે નીકળેલા ભક્તોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. મોડી રાતથી આજે વહેલી સવાર સુધીમાં જિલ્લાના ત્રણ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને બે તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

નવસારી, જલાલપોર અને ચીખલીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી રાત્રી દરમિયાન વરસાદી માહોલ બને છે, જયારે દિવસે આકારો તાપ લોકોને અકળાવે છે. જોકે હવામાન વિભાગની ત્રણ દિવસ વરસાદ વરસવાની આગાહી વચ્ચે નવસારીમાં બે દિવસોથી વરસાદી ઝાપટા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દરમિયાન ગત રોજ શનિવાર હોવાથી શહેરમાં સ્થાપિત ગણેશજીની વિવિધ પ્રતિમા અને ડેકોરેશન જોવા હજારોની સંખ્યામાં શહેરીજન રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે મોડી રાતે 10 વાગ્યા બાદ અચાનક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનો સાથે પડેલા ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો દુકાનોના ઓટલા પર આસરો લેવા મજબૂર બન્યા હતા. જોકે થોડા સમય બાદ વરસાદનું જોર ઘટતા લોકો પોતાને ઘરે જવા નીકળ્યા હતા.

શહેરના અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા

નવસારી જિલ્લામાં ગત મોડી રાતે 10 થી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર અને જિલ્લાના 5 તાલુકાઓ પાણી પાણી થયા હતા. સવારે 4 વાગ્યા સુધીના 6 કલાકમાં જ નવસારી, જલાલપોર અને ચીખલી તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે ગણદેવી અને ખેરગામ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વાંસદા તાલુકામાં ફક્ત 10 મિમી અને 22 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નવસારી વિજલપોર શહેરના મુખ્ય રસ્તાઓ પણ પાણી પાણી થયા હતા. ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. જોકે સવારે 8 વાગ્યા બાદ પાણી ઉતરી જતા પાલિકાને રાહત થઇ હતી.

નવસારીમાં સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા

નવસારી : 58 મિમી,      જલાલપોર : 49 મિમી,

ગણદેવી : 25 મિમી,      ચીખલી : 53 મિમી,

ખેરગામ : 30 મિમી,      વાંસદા : 38 મિમી

Click to comment

Trending

Exit mobile version