બે ટુકડીઓમાં ભરૂચ અને અંકલેશ્વરમાં 6 દિવસોમાં 72 લોકોને બચાવ્યા
નવસારી : નર્મદા નદીમાં ગત દિવસોમાં આવેલા ઘોડાપુર આવ્યા હતા, જેમાં લાખો લોકો પુરના પાણીમાં ફસાયા હતા, જેમને બચાવવા સાથે ફૂડ પેકેટ્સ સહિત અન્ય સેવામાં નવસારી વિજલપોર નગરપાલિકાના માયનોર અને ફાયર વિભાગ મળીને કુલ 120 કર્મચારીઓ પણ જોતરાયા હતા અને 72 લોકોને રેસ્ક્યું કર્યા હતા. ત્યારે પાલિકાના આ બાહોશ કર્મચારીઓને આજે ધારાસભ્ય રાકેશ દેસાઇની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
એક માળથી વધુ ભરાયેલા પાણીમાં પાલિકા કર્મીઓએ બોટ લઇને માનવતા મહેકાવી
ગત 17 સપ્ટેમ્બર, 2023 ના રોજ સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાતા જ નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં ભરૂચ અને અંકલેશ્વર બે શહેરો અને આસપાસના ગામડાઓ જળમગ્ન થતા લાખો લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ઘણા લોકો પુરના પાણીમાં ફસાયા હતા. ત્યારે દેવદૂત બનીને હજારો સરકારી કર્મચારીઓ પહોંચ્યા હતા. જેમાં નવસારી વિજલપોર નગપાલિકાના ફાયર વિભાગ અને માયનોર વિભાગ કુલ 120 કર્મચારીઓ પણ બંને શહેરોમાં પહોંચ્યા હતા. જ્યાં ફાયારના જવાનોએ બાહોશી દેખાડી પુરના પાણીમાં ફસાયેલા કુલ 72 લોકોને રેસક્યું કર્યા હતા. બે ટુકડીઓમાં ગયેલા પાલિકા કર્મચારીઓ 6 દિવસો સુધી ભરૂચ અને અંકલેશ્વરમાં રોકાયા હતા અને લોકોને બચાવવા સાથે જ ફૂડ પેકેટ વિતરણ તેમજ અન્ય કામો કરીને માનવતા મહેકાવી હતી. કુદરતી આપત્તિ સમયે અનેક લોકોને મદદરૂપ થનારા પાલિકાના 120 કર્મચારીઓને આજે પાલિકા કચેરી ખાતે ધારાસભ્ય રાકેશ દેસાઈ, પાલિકા પ્રમુખ મીનલ દેસાઈ, મુખ્ય અધિકારી જે. યુ. વસાવા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.