બારી ફળિયામાં સાંજે પાંજરૂ ગોઠવ્યું અને રાતે દીપડો ભેરવાયો
નવસારી : નવસારી જિલ્લામાં સૌથી વધુ દીપડા હોવાની ચર્ચાઓ વચ્ચે વાંસદા તાલુકાના લાકડબારી ગામેથી આજે વહેલી સવારે એક કદ્દાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે વાંસદા પશ્ચિમ રેન્જ દ્વારા દીપડાનો કબ્જો લઈ નેશનલ પાર્કમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
થોડા સમયથી દીપડો ખોરાકની શોધમાં લાકડબારીમાં ફરતો હતો
નવસારીના વાંસદા તાલુકાના પશ્ચિમ વન વિભાગ હેઠળના લાકડબારી ગામે છેલ્લા થોડા દિવસોથી ખોરાકની શોધમાં એક કદ્દાવર દીપડો ફરતો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. દીપડાએ ગામમાં શિકાર પણ કર્યો હતો અને ગત રોજ લાકડબારીના બારી ફળિયામાં રહેતા છગન રાજુના ઘર નજીક દેખાતા વાંસદા પશ્ચિમ વન વિભાગના RFO ચેતન પટેલને ગામના સરપંચ રમતુ ગાવિતે જાણ કરી હતી. જેથી પશ્ચિમ વન રેન્જ દ્વારા છગન રાજુના ઘર પાસેના રસ્તાની બાજુમાં શિકાર સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતુ. વન વિભાગે ગત રોજ સાંજે પાંજરૂ ગોઠવ્યું હતું અને તેમાં આજે મળસ્કે 4:15 વાગ્યા આસપાસ એક 8 વર્ષીય દીપડો શિકારની લાલચમાં પાંજરામાં ભેરવાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ વન વિભાગને કરતા વિભાગના કર્મચારીઓએ દીપડાનો કબ્જો લઈ, પશુ ચિકિત્સક પાસે એની આરોગ્ય તપાસ કરાવી હતી. સાથે જ દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
દીપડાની પૂછડીમાં લગાવી માઇક્રો ID ચીપ, વાંસદામાં 27 દીપડા નોંધાયા
વાંસદાના લાકડબારી ગામના બારી ફળિયામાંથી દીપડો પકડાયા બાદ વન વિભાગ દ્વારા દીપડાની પુછડીમાં માઇક્રો ID ચીપ લગાવી હતી. આ માઇક્રો ID ચીપ પર એક બારકોડ પ્રકારે નંબર હોય છે, જેને દીપડાની પૂછાડીમાં ઇન્જેક્શન વડે મૂકવામાં આવે છે. માઇક્રો ID ચીપથી દીપડાને ટ્રેક કરી શકતો નથી, પરંતુ જ્યારે દીપડો ફરી ક્યાંક પકડાય તો એની માહિતી મળી રહે છે. થોડા સમય અગાઉ સુરતમાં પકડાયેલો દીપડો તાપી જિલ્લામાં પકડાયો હતો, ત્યારે એની પુછડીમાં લગાવેલી ચીપ પરથી અગાઉ સુરતમાં પકડાયો હોવાની માહિતી મળી હતી. જેથી એક પ્રકારે દીપડાની ગણતરી પણ થઈ જાય છે અને જિલ્લાઓ મૂંઝવણમાં ન રહે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં થયેલી દીપડાઓની ગણતરીમાં વાંસદા તાલુકામાં 27 દીપડા હોવાનું સામે આવ્યું હતું.