Connect with us

સમસ્યા

નવસારીના વાડા ગામે ગેરકાયદે તબેલાનું દબાણ ગ્રામપંચાયતે મક્કમતાથી દૂર કર્યુ

Published

on

નોટિસ અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છતાં ન ઝૂકેલું દબાણ આખરે હટાવાયું: જાહેર રસ્તો ખુલ્લો થતાં ગ્રામજનોને રાહત

નવસારી : જાહેર હિત અને કાયદાના શાસનને સર્વોપરી રાખીને નવસારીની વાડા ગ્રામ પંચાયતે લોક સુખાકારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામતળમાં વર્ષોથી ચાલી આવતા અવરજવરના માર્ગને રોકીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ સામે પંચાયતે દૃઢ નિશ્ચય સાથે કાર્યવાહી કરી તેને દૂર કર્યુ હતુ. વારંવારની નોટિસો અને કાનૂની પ્રક્રિયા છતાં દબાણ ન હટતાં, તાલુકા વિકાસ અધિકારી (TDO) ના આદેશાનુસાર વાડા ગ્રામ પંચાયતે કાયદાકીય મર્યાદામાં રહીને જરાય સંકોચ વિના ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી ફેરવી દીધું હતું. આ કાર્યવાહીથી સાબિત થાય છે કે વ્યક્તિગત સ્વાર્થ સામે જાહેર હિતનો વિજય જ સર્વોપરી છે.

બાપદાદાના સમયની વાળાકાછાની જગ્યા બનેલ રસ્તા પર ગેરકાયદે તબેલાની દીવાલ ચણી દેવાઈ હતી

નવસારી તાલુકાના વાડા ગામના ઉગમણા ફળિયામાં આવેલ ઘર નં. 101 ના રહેવાસી ચંપાબેન દીપકભાઈ પટેલે પોતાના ઘરની બાજુમાં તબેલો અને વાહન પાર્કિંગ માટે શેડ બનાવી, વર્ષો જૂના 10 થી 12 ફૂટના ‘વાળાકાછા’ ના જાહેર માર્ગ પર ગેરકાયદે દીવાલ ચણી લીધી હતી. આ રસ્તો ગામના ખેડૂતો, બળદગાડા અને ટ્રેક્ટરની અવરજવર માટે અત્યંત મહત્વનો હતો. સરકારી યોજના હેઠળ ભૂતકાળમાં આ રસ્તો ડામર રોડ પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ દબાણના કારણે રસ્તો એટલો સાંકડો થઈ ગયો હતો કે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ ન હોવાથી ગ્રામજન રમેશભાઈ પટેલ સહિત અન્ય રહીશોએ પંચાયતમાં રજૂઆત કરી હતી. પંચાયતની નોટિસોને અવગણવામાં આવતા મામલો TDO સમક્ષ પહોંચ્યો હતો, જ્યાં ચંપાબેન જમીનની માલિકીના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. ત્યારબાદ ચંપાબેને સિવિલ કોર્ટમાં મનાઈ હુકમ (Stay Order) મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટે કોઈ સ્ટે આપ્યો ન હતો.

પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી ચાલ્યું, ગેરમાર્ગે દોરવાના પ્રયાસો નિષ્ફળ

TDO ના આદેશ મુજબ ગત 31 મી ઓગસ્ટે વાડા ગ્રામ પંચાયતના સરપંચ વિમલભાઈ પટેલ અને તેમની ટીમે કડક પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી ગેરકાયદે દીવાલ દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પંચાયતે કાયદાની મર્યાદા જાળવીને સંપૂર્ણ સંવેદનશીલતા પણ દાખવી હતી; અંદાજે 45 ફૂટ જેટલો તબેલો અને શેડ સુરક્ષિત રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું તથા જરૂરિયાત મુજબ ટેકા પણ મૂકી આપ્યા હતા. જોકે, દબાણકર્તા દ્વારા આખો તબેલો તોડી પાડવામાં આવ્યો હોવાની ખોટી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો અસફળ પ્રયાસ થયો હતો. અંતે, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ગ્રામ પંચાયતે નડતરરૂપ દબાણ દૂર કરી ગ્રામજનો માટે સુગમ રસ્તો બનાવી લોકહિતનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું.

નવસારી

વાયરલ રીલનો ક્રેઝ કે અકસ્માતને આમંત્રણ?નવસારીના રેલ્વે ઓવરબ્રિજ પર યુવાનોનો જોખમી ‘બાહુબલી’ સ્ટંટ

Published

on

By

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી બનાવ્યો વીડિયો

નવસારી : સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ હવે જોખમી રીલ્સ બનાવવાનું ગેરકાયદેસર હોટસ્પોટ બની ગયો છે. મધ્યરાત્રિના સમયે અન્યના જીવ જોખમમાં મૂકીને બાઈક ખભા પર ઉંચકીને બાહુબલી સ્ટંટ કરતા યુવાનોનો વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી રીલ બનાવતો વીડિયો થયો વાયરલ

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના અંધારામાં કેટલાક યુવાનોએ ટ્રાફિકના તમામ નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જોખમી સ્ટંટ હાથ ધર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન ‘બાહુબલી’ ફિલ્મના દ્રશ્યની જેમ પોતાના ખભા પર આખી બાઈક ઊંચકતો જોવા મળે છે, જ્યારે તેના અન્ય મિત્રો આ જોખમી હરકતને કેમેરામાં કેદ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્રિજ પર અગાઉ પણ આવા જીવલેણ સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા ‘રીલબાજો’ના હોંસલા વધતા જાય છે. સાર્વજનિક સંપત્તિ અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટું અકસ્માતનું જોખમ ઊભું કરતા આ યુવાનો સામે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાનૂની બ્રેક મારશે, તે જ હવે શહેરીજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

Continue Reading

આરોગ્ય

સ્વચ્છતા હી સેવા-2026 : કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 2 જી ઓક્ટોબરે યોજાશે મુખ્ય કાર્યક્રમ

નવસારી : નવસારી જિલ્લામાં આગામી ગાંધી જયંતિના પાવન પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અને ત્યારબાદ યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 2 જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ તથા અન્ય વહીવટી આયોજનોની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

2 થી 4 ઓક્ટોબર : સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘કેચ ધ રેઇન’ જનજાગૃતિ

ગાંધી જયંતિના વિશેષ અવસરે મજીગામ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સાથે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસુલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોની સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટેના વિવિધ આયોજનો ઘડવામાં આવ્યા છે. વધુમાં, 4 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓ અને પ્રજાજનોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયને લગતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

5 અને 6 ઓક્ટોબર : મજીગામના દિનકર ભવન ખાતે એલીમ્કો સહયોગથી વિશિષ્ટ કેમ્પ

સ્વછતા અભિયાન ઉપરાંત આગામી 5 અને 6 ઓક્ટોબરે મજીગામના દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ‘એલીમ્કો’ (ALIMCO) ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્થળની પૂર્વતૈયારીઓ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સુચારુ સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા, લોકભાગીદારી વધારીને એક વ્યાપક જનઆંદોલન બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Continue Reading

સમસ્યા

ઘોલાઈ બંદરે 2000 ચો. મી. સરકારી જમીન પર બુલડોઝર ફર્યું

Published

on

By

દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી તંત્રનું મોટું ડિમોલિશન

નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામે આવેલા નવસારીના એકમાત્ર દરિયાઈ બંદર, ઘોલાઈ બંદર ખાતે સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી હતી. દરિયાઈ સુરક્ષાના અત્યંત સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં આશરે 2000 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન પરથી 18 થી વધુ અનઅધિકૃત દુકાનો, શેડ અને કેબિનોના દબાણો દૂર કરી જમીન સંપાદિત કરવામાં આવી હતી.

માનવતા દાખવ્યા બાદ વહીવટી તંત્રની આકરી કાર્યવાહી

ઘોલાઈ બંદર ખાતે સરકારી હેડની જમીન પર અનઅધિકૃત રીતે દુકાનો, ગેરેજ, પતરાના શેડ અને કેબિનો ઊભા કરી દેવાયા હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, સ્થાનિક દબાણકારોએ પોતાનો સામાન અન્ય જગ્યાએ ખસેડવા માટે વિનંતી કરતા વહીવટી તંત્રએ માનવતાવાદી અભિગમ દાખવી 27 સપ્ટેમ્બર સુધીની મુદત આપી હતી. મુદત પૂર્ણ થતાં જ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગસીયા, ગણદેવી મામલતદાર દીપિકા શેઝ, મહેસુલી ટીમ, GEB અને વલસાડ રૂરલ ડિવિઝનના ઇજનેરોની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તમામ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા હતા.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સ્પષ્ટ ચેતવણી

કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગાડે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહીવટી તંત્રએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરકારી મિલકતો કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોની આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની આ કડક ઝુંબેશ નિરંતર ચાલુ રહેશે.

Continue Reading
Advertisement

Trending