ગ્રામજનો કિનારે બાપ્પાની આરતી કરતા હતા અને યુવાન નદીમાં નાહવા પડ્યો હતો
નવસારી : નવસારીમાં ગણેશોત્સવનો ઉત્સાહ છે, ત્યારે આજે 7 માં દિવસે જિલ્લામાં અનેક ઠેકાણે ગણેશ વિસર્જન કરાયુ હતુ. જેમાં વાંસદાના સિંગાડ ગામે ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ 20 વર્ષીય યુવાન કાવેરી નદીમાં નાહવા પડ્યો હતો, જે અકસ્માતે ડૂબી જતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતુ. યુવાનના મોતથી ગામમાં શોકની કાલિમા છવાઈ છે.
ડૂબતા યુવાનને ગ્રામજનોએ નદીમાંથી બહાર કાઢી, હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો
મળતી માહિતી અનુસાર, ગણેશોત્સવમાં ઉત્સાહ વધુ હોય છે. જેમાં પણ ગણેશ વિસર્જનમાં ઉત્સાહ બેવડાતો હોય છે. ત્યારે આજે શ્રીજીની સ્થાપનાને 7 દિવસ પૂર્ણ થતા, જિલ્લામાં ઘણા મંડળો અને વ્યક્તિગત રીતે બેસાડેલા સાત દિવસીય ગણેશ વિસર્જન કરાયુ હતુ. જેમાં વાંસદા તાલુકાના સિંગાડ ગામના ગણપતિ બાપ્પાની સાંજના સમયે ધૂમધામથી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગામના વડલી ખાતે રહેતો 20 વર્ષીય વિમલ નરોત્તમ પટેલ પણ વિસર્જન યાત્રામાં જોડાયો હતો. યાત્રા ગામની નજીક આવેલી કાવેરી નદીના કિનારે પહોંચી હતી, જ્યાં બાપ્પાને અંતિમ વિદાય આપવાની તૈયારી થઈ રહી હતી. ગામના લોકોએ આરતી આરંભી હતી, એ દરમિયાન સાંજના 5:30 વાગ્યા આસપાસ વિમલ નદીમાં નાહવા પડ્યો હતો. જેમાં અકસ્માતે વિમલ નદીમાં ડૂબવા લાગ્યો હતો, જેને ગામના અન્ય લોકોએ જોતા તાત્કાલિક નદીમાં કૂદીને વિમલને બચાવી બહાર કાઢ્યો હતો અને તરત જ વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે વિમલને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ વાંસદા પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતક વિમલ પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે વાંસદા પોલીસ મથકે અક્સ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.