Connect with us

આરોગ્ય

વાયબ્રન્ટ નવસારીમાં 212 કરોડના રોકાણ સાથે 146 MOU થયા

Published

on

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સાહસિકોએ કર્યા MOU

નવસારી : ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ થકી અનેક નવા ઉદ્યોગો સ્થપાયા છે અને લાખો કરોડોના રોકાણ સાથે રોજગારીની અનેક તકો ઉભી થતા ભારતના વિકાસમાં ગુજરાત ગ્રોથ એન્જિન બનીને ઉભર્યુ છે. ત્યારે આજે વાયબ્રન્ટ નવસારી સમિટમાં પણ 146 ઉદ્યોગ સાહસિકોએ 212 કરોડ રૂપિયાના રોકાણની તૈયારી બતાવી છે. જેની સાથે જ નવસારીમાં સ્થાનિક સ્તરે 5 હજારથી વધુ નવી રોજગારીની તકો ઉભી થશે.

નવસારીમાં નવા ઉદ્યોગો થકી હજારો લોકોને રોજગારીની નવીન તકો મળશે

 

ગુજરાતના આર્થિક વિકાસમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશી અને વિદેશી રોકાણ લાવવા માટે વર્ષ 2003 થી વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત હેઠળ અનેક મોટા ઉદ્યોગો સ્થપાયા છે અને લાખો કરોડોના રોકાણ સાથે ઉદ્યોગ સાહસિકોએ MOU પણ કર્યા છે. રાજ્ય કક્ષાએ થતી વાયબ્રન્ટ સમિટ બાદ નાના ઉદ્યોગ સાહસિકો તેમને પસંદગીના જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખી ઉદ્યોગ સ્થાપે તો સ્થાનિક કક્ષાએ રોજગારીની નવીન તક ઉભી થઈ શકે. જેથી આજે નવસારીના તીઘરા જકાતનાકા સ્થિત મતિયા પાટીદાર વાડીમાં વાયબ્રન્ટ નવસારી સમિટ રાજ્યના નાણાં મંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લાના નાના મોટા ઉદ્યમીઓ જોડાયા હતા અને સરકારની ઉદ્યોગો પ્રત્યેની નીતિ, યોજનાઓ, બેંક લોન વિશેની માહિતી, આંત્રપીન્યોર સ્કીમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતી યોજનાઓ અને એની માહિતી મેળવી હતી. જ્યારે મંત્રી કનુ દેસાઈએ સરકાર દ્વારા ઉધોગોને પ્રોત્સાહન આપવા થતા પ્રયાસો અને વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત કેવી રીતે દેશનું ગ્રોથ એન્જિન બન્યું એની વિકાસ ગાથા વર્ણવી હતી.

આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધુ 50 કરોડનું રોકાણ કરવા થયા MOU

વાયબ્રન્ટ નવસારી સમિટમાં આજે નવસારીમાં ઉદ્યોગ સ્થાપવા ઈચ્છુક ઉદ્યોગ સાહસિકો તેમજ આંત્રપ્રીન્યોર યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની પહેલ સામે ઉદ્યોગકારોએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં નવસારીના ઉદ્યોગ સાહસિક અને સુયશ ઈથીકલના ચેરમેન રાજુ શાહ દ્વારા ફાર્માસ્યુટીકલ કંપની સ્થાપી લગભગ 250 થી વધુ લોકોને રોજગારીની તક આપવા 50 કરોડના રોકાણનો MOU સાઈન કર્યો હતો. જોકે નવસારીમાં ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટકચરનો અભાવ હોવાથી થોડી મુશ્કેલી હોવાની ચિંતા કરી, રાજુ શાહે સરકારના સકારાત્મક અભિગમથી ઉદ્યોગ વિકાસ કરશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જેની સાથે જ રાજહંસ પ્રા. લિ. ના ડાયરેક્ટર જયેશભાઈ દેસાઈ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલોપમેન્ટ માટે 48.50 કરોડ, શાહલોન એન્ટરપ્રાઈઝ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલોપમેન્ટ માટે 43.28 કરોડ અને એન.પી. ઇન્ડસ્ટ્રીયલના નગીનભાઈ પટેલ દ્વારા એસ. એસ. એલ્યુમિનીયમ એન્ડ કોપર વાઈન ડ્રોઈંગ માટે 10 કરોડનું રોકાણ સાથે કુલ 212 કરોડ રૂપિયાના 146 ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા હતા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આરોગ્ય

સ્વચ્છતા હી સેવા-2026 : કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 2 જી ઓક્ટોબરે યોજાશે મુખ્ય કાર્યક્રમ

નવસારી : નવસારી જિલ્લામાં આગામી ગાંધી જયંતિના પાવન પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અને ત્યારબાદ યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 2 જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ તથા અન્ય વહીવટી આયોજનોની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

2 થી 4 ઓક્ટોબર : સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘કેચ ધ રેઇન’ જનજાગૃતિ

ગાંધી જયંતિના વિશેષ અવસરે મજીગામ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સાથે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસુલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોની સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટેના વિવિધ આયોજનો ઘડવામાં આવ્યા છે. વધુમાં, 4 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓ અને પ્રજાજનોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયને લગતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

5 અને 6 ઓક્ટોબર : મજીગામના દિનકર ભવન ખાતે એલીમ્કો સહયોગથી વિશિષ્ટ કેમ્પ

સ્વછતા અભિયાન ઉપરાંત આગામી 5 અને 6 ઓક્ટોબરે મજીગામના દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ‘એલીમ્કો’ (ALIMCO) ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્થળની પૂર્વતૈયારીઓ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સુચારુ સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા, લોકભાગીદારી વધારીને એક વ્યાપક જનઆંદોલન બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Continue Reading

આરોગ્ય

કુપોષણ સામે નવસારીનો જંગ : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘આંગણ ઉત્સવ’ ઉજવાયો

Published

on

By

નવસારીના પોષણ ચેમ્પિયન્સનું બહુમાન અને નાગલીની સુખડીથી બાળ સ્વાસ્થ્ય મજબૂત કરવાનો પ્રયાસ

નવસારી : બાળકનું સ્મિત એ સમાજની સૌથી મોટી મૂડી છે અને એ સ્મિત ત્યારે જ ખીલી શકે જ્યારે એની કાયા પોષણથી સમૃદ્ધ હોય. બાળપણને કુપોષણના અંધકારમાંથી મુક્ત કરીને સ્વાસ્થ્યના ઉજાસ તરફ લઈ જવાનો એક માનવીય અને સંવેદનશીલ પ્રયાસ નવસારીના આંગણે આકાર પામ્યો છે. કબીલપોરના આંગણવાડી કેન્દ્રોમાં જ્યારે પાયાના કક્ષાએ કામ કરતી બહેનોનો સ્વેદ અને ભૂલકાંઓનું ઉત્સાહભર્યું સ્મિત એકસાથે મળ્યા, ત્યારે તે માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતાં મમતા, કાળજી અને સામાજિક જવાબદારીનો એક જીવંત ઉત્સવ બની ગયો હતો.

બાળપણને મળ્યું પોષણનું કવચ અને પ્રોત્સાહનનું ભાથું

નવસારીમાં આજે ‘આંગણ ઉત્સવ’ દરમિયાન કુપોષણની રેખા વટાવીને પૂર્ણ સ્વાસ્થ્ય તરફ આગળ વધેલા ભૂલકાંઓને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાળકોને ફળ, મીઠાઈ અને વિશેષરૂપે પૌષ્ટિક નાગલીની સુખડીથી ભરેલી ‘પોષણ ટોપલી’ નું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, 3 થી 6 વર્ષના તમામ બાળકો સહિત THR (ટેક હોમ રાશન) યોજના હેઠળ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના લાભાર્થીઓને પણ પૌષ્ટિક સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ અવસરે લાભાર્થી કિશોરીઓ અને ધાત્રી માતાઓએ પોતાના અનુભવો વાગોળતાં પોષણ સેવાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

પાયાના ક્ષેત્રે અદ્રશ્ય સેવા આપતી ‘માતૃશક્તિ’ નું બહુમાન

સમાજને કુપોષણમુક્ત બનાવવા માટે દિવસ-રાત જોયા વગર ગ્રાઉન્ડ લેવલ પર પરિશ્રમ કરતી આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરો ખરી અર્થમાં આ અભિયાનના વાસ્તવિક નાયકો છે. કબીલપોર 01 ની ટીમ દિપ્તીબેન મકવાણા, ગાયત્રીબેન પટેલ, રક્ષાબેન નાયકા અને કબીલપોર 04 ની ટીમ ચંપાબેન પટેલ, પારૂલબેન પટેલ, રાધાબેન પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પાયાના આ કર્મયોગીઓના સમર્પણને બિરદાવીને આંગણ ઉત્સવે માત્ર પોષણનો સંદેશ નથી આપ્યો, પરંતુ માતૃ અને બાળ સ્વાસ્થ્ય પ્રત્યેની સામાજિક કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે.

Continue Reading

આરોગ્ય

‘નમો કમલમ’ ના લોકાર્પણ પૂર્વે નવસારીમાં સ્વચ્છતા અને સુપોષણનો મહાયજ્ઞ શરૂ

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 389 ગામોમાં માઇક્રો સફાઇ ઝુંબેશનો પ્રારંભ

નવસારી : રાજકીય કે સરકારી કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા સીમિત ન રહેતા જ્યારે લોકસેવા અને માનવીય સંવેદનાનો પર્યાય બને છે, ત્યારે સમાજમાં એક નવો આશાવાદ જન્મ લે છે. નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ અને નવસારી ભાજપના હાઇટેક કાર્યાલય ‘નમો કમલમ’ ના ઉદ્ઘાટનને વધાવવા માટે તંત્રે કમર કસી છે. પરંતુ આ તૈયારીઓ માત્ર ઈમારતો કે રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાને સ્વચ્છ, સુપોષિત અને સ્વસ્થ બનાવવાનો એક અભૂતપૂર્વ સેવાયજ્ઞ પ્રારંભાયો છે.

જનભાગીદારીનો અનોખો સંગમ: 389 ગામોમાં યુદ્ધના ધોરણે માઇક્રો સફાઇ ઝુંબેશ

નવસારી જિલ્લાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જનભાગીદારીનું આવું વિરાટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચીખલી ખાતેથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે જિલ્લાના તમામ 389 ગામોને સ્વચ્છ બનાવવાના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બર સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી કચરો હટાવી સંપૂર્ણ સ્વચ્છતા કરવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે. આ ઝુંબેશની વિશેષતા એ છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે 50 થી વધુ JCB અને લોડર મશીનો વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. દરેક ગામમાં 1 JCB, ટ્રોલી અને 10 મજૂરોની સઘન ટીમ બનાવી માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

માનવીય સંવેદનાની મિસાલ : સેવા અને સુપોષણના ક્ષેત્રે ઐતિહાસિક પહેલ

સ્વચ્છતા અભિયાનની સાથે-સાથે નવસારીમાં માનવીય અભિગમ ધરાવતી કલ્યાણકારી યોજનાઓને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ થયો છે. નવસારીના બી.આર. ફાર્મ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લાના 3,800 જેટલા કુપોષિત બાળકોને આંગણવાડી કાર્યકરો મારફતે ‘સુપોષિત કીટ’ અને TB ના દર્દીઓને આરોગ્યવર્ધક ‘પોષણ કીટ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાસન અને સેવાનો આ સમન્વય દર્શાવે છે કે નવસારી વિનમ્રતાથી વડાપ્રધાનના સ્વાગતની સાથોસાથ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજના નિર્માણ તરફ ડગ માંડી રહ્યું છે.

Continue Reading
Advertisement

Trending