નવસારી : જંગલોમાંથી અનામત લાકડાની તસ્કરી થતી રહે છે અને તેને અટકાવવા માટે વન વિભાગ પણ સતર્ક રહેતું હોય છે. ત્યારે ગત રોજ નવસારીના વાંસદા ધરમપુર રોડ પર મીંઢાબારી ગામ નજીકથી વાંસદા પશ્ચિમ વન વિભાગે બાતમીને આધારે ગેરકાયદે વહન થતા 8 લાખના ખેરના લાકડાનો જથ્થો પકડી પાડયો હતો. વન વિભાગે મહારાષ્ટ્રના ટ્રક ચાલક અને ક્લીનરની અટક કરી તપાસને વેગ આપ્યો છે.
જંગલોમાંથી લાંબા સમયથી થતી રહી છે ખેરના લાકડાની તસ્કરી
નવસારીના દક્ષિણ પૂર્વમાં આવેલા વાંસદા તાલુકા સહિતના ઉપરના જિલ્લાઓમાં જંગલો આવેલા છે. ત્યાંથી તસ્કરો વન વિભાગની આંખોમાં ધૂળ નાંખી લાખોના લાકડાની તસ્કરી કરતા રહે છે. જેની સામે વન વિભાગ પણ સતર્કતાથી કામ કરતું હોય છે, તેમ છતાં તસ્કરો ઘણીવાર વન અધિકારીઓને હાથ તાળી આપી જાય છે. જેમાં આજે વહેલી સવારે વાંસદા પશ્ચિમ વિભાગના વનકર્મીઓ વાંસદા ધરમપુર રોડ પર હતા, ત્યારે બાતમીને આધારે વાંસદાના મીંઢાબારી ગામ નજીક ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન લાકડાનો જથ્થો ભરેલી ટ્રક આવતા વનકર્મીઓએ ટ્રકને રોકી તપાસ કરતા ચાલક અને મહારાષ્ટ્રના નાસિક મનમાંડના હનુમાન નગરમાં રહેતા યુનુસ શમશેર અલીશાહ અને મહારાષ્ટ્રના ધુલિયા, ચાલીસ ગામ રોડ ખાતે રહેતા ક્લીનર આસિફ સતાર પઠાણની પૂછપરછ કરતા તેઓ લાકડા વહન માટેના યોગ્ય દસ્તાવેજ આપી શક્યા ન હતા. જેથી RFO જે. ડી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ બંને સામે કાર્યવાહી કરી, ટ્રકમાં ભરેલા 8 લાખ રૂપિયાના ખેરના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. સાથે જ લાકડાનો જથ્થો ક્યાંથી લાવ્યા છે અને કોને પહોંચાડવાના હતા, તેમજ અગાઉ પણ લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા છે કે કેમ..? એની તપાસ માટે યુનુસ અને આસિફની અટક કરી તપાસને વેગ આપ્યો છે. સાથે જ 8 લાખ રૂપિયાના લાકડા અને 6 લાખ રૂપિયાની ટ્રક મળી કુલ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.