અઠવાડિયામાં બે દિવસ જૂની કલેકટર કચેરી ખાતે ભરાશે પ્રાકૃતિક કૃષિ બજાર
નવસારી : રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાના પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં નવસારીના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર અને નવસારીવાસીઓને રસાયણમુક્ત ખેત ઉત્પાદનો મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આજથી પ્રાકૃતિક કૃષિ બજારનો જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના હસ્તે પ્રારંભ કરાવ્યો છે. હવેથી જૂની કલેકટર કચેરીની ખુલ્લી જગ્યામાં અઠવાડીયામાં બે દિવસ પ્રાકૃતિક કૃષિ બજાર ભરાશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતો રાસાયણિક ખેતીને છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. જેમાં રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે અને થોડા સમય અગાઉ જ પ્રાકૃતિક કૃષિ યુનીવર્સીટીની શરૂઆત પણ કરાવી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરંતુ તેમને યોગ્ય બજાર નથી મળતું અને ઘણીવાર રાસાયણિક સાથે પ્રાકૃતિક ઉત્પાદો પણ જતા હોય છે. જેથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને સીધા ગ્રાહકો સુધી મુકવાનો નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રયાસ થયો છે. ખેતીવાડી વિભાગ દ્વારા આજથી નવસારીના જુનાથાણા સ્થિત જૂની કલેકટર કચેરીના પ્રાંગણની ખુલ્લી જગ્યામાં પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ કરાયું છે. જેનો પ્રારંભ નવસરી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા અઠવાડીયામાં સોમવાર અને ગુરૂવાર બે દિવસ પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 11 ખેડૂતોએ તેમનાં ખેત ઉત્પાદો તેમજ મૂલ્યવર્ધિત વસ્તુઓનું વેચાણ કર્યું હતું.
બજાર મળતા ખેડૂતો અને પ્રાકૃતિક ઉત્પાદો મળતા ગ્રાહકોમાં જોવા મળી ખુશી
જિલ્લા ખેતીવાડી વિભાગના પ્રયાસને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ આવકાર્યો હતો. કારણ પ્રાકૃતિક ઉત્પાદો માટે યોગ્ય બજાર મળતુ નથી. જયારે વેપારીઓ ઓછા ભાવે ઉત્પાદનો ખરીદી કરતા હોય છે. પરંતુ આવા બજારો થકી ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પહોંચશે. બજાર થકી ગ્રાહકોને શુદ્ધ, રસાયણ મુક્ત ખેત ઉત્પાદનો મળશે અને ખેડૂતોને પુરતા ભાવ મળી રહેશે, જેથી બંનેને ફાયદો થશે. જયારે પ્રાકૃતિક અને શુદ્ધ ખેત ઉત્પાદનો હોવાનું જાણતા જ ગ્રાહકોએ પણ ખેડૂતો પર વિશ્વાસ કર્યો હતો અને હાથોહાથ શાકભાજી, ગોળ સહિતના ખેત ઉત્પાદનો ખરીદી લેતા બે કલાકમાં જ ખેડૂતોના તમામ ઉત્પાદનો વેચાઈ ગયા હતા.
ખેડૂતોએ બે કલાકમાં જ અંદાજે 17 હજારના ખેત ઉત્પાદો વેચ્યા – ડૉ. અતુલ ગજેરા
આજે બજારનો પ્રથમ દિવસ હોવાથી ખેડૂતો શાકભાજી, ફળ, ગોળ જેવા ઉત્પાદનો ઓછી માત્રામાં લાવ્યા હતા. પરંતુ નાગરિકોએ એટલો સારો પ્રતિસાદ આપ્યો કે બે કલાકમાં જ શાકભાજી અને ફળ મળીને 180 કિલો ખેત ઉત્પાદનો તેમજ 45 કિલો પ્રાકૃતિક ગોળ વેચાઈ ગયો હતો અને ખેડૂતોએ અંદાજીત 17 હજાર રૂપિયાની આવક મેળવી હતી.