નવસારી : ગુજરાતમાં મોખરે રહેનારી ગણદેવી સુગર ફેકટરીમાં કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાના નિયમોમાં સુધારો કરીને કરેલા નિર્ણયને આજે મળેલી 66 મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોએ બહુમતીએ બહાલી આપી હતી. સાથે જ સભામાં ચાલુ વર્ષે ગણદેવી સુગર ફેકટરીની પિલાણ, ખાંડ ઉત્પાદન થકી રિકવરી તેમજ અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા મેળવેલી સિદ્ધિના લેખા જોખા સભાસદો સામે રજૂ કરાયા હતા.
ગુજરાતમાં એટલુજ નહીં પણ ભારતમાં ખાંડ ઉદ્યોગમાં ગણદેવી સુગર ફેકટરી ખેડૂતોને અપાતા પ્રતિ ટન શેરડીના ભાવ અને રિકવરીમાં જાણિતી છે. ત્યારે 66 વર્ષોની મજલ કાપનારી ગણદેવી સુગર ફેકટરીની આજે 66 મી વાર્ષિક સાધારણ સભા ફેક્ટરી પ્રાંગણમાં યોજાઈ હતી. જોકે ગણદેવી સુગરના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ, ઉપપ્રમુખ અને કાર્યકારી પ્રમુખ વિના વાર્ષિક સાધારણ સભા મળી હતી. જોકે સભા ફેક્ટરીના ડિરેક્ટર રણજીત પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વર્ષ 2022-23 ના વાર્ષિક હિસાબ સભાસદો સામે મૂકવામાં આવ્યો હતો. જેની સાથે જ એજન્ડાના 7 કામોને સભા સમક્ષ મુકતા એક કાર્યને છોડીને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. ત્રણ કલાક સુધી ચાલેલી ગણદેવી સુગર ફેકટરીની સભામાં ફેક્ટરીના નિયમમાં સુધારો કરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી જ્યુડિશ્યલ મેટર હોવાને કારણે ફેકટરીના વહીવટમાં સરળતા રહે અને કોઈ નિર્ણય માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક માટે રાહ જોવા ન પડે, એ માટે નવો નિયમમાં ફેરફાર કરી કામચલાઉ કાર્યકારી પ્રમુખ અને ઉપરપમુખ નિમવા માટે ઠરાવ કરી, બહુમતીએ બહાલી આપવામાં આવી હતી.
વિષેશ સિદ્ધિ મેળવનારા ડિરેક્ટર અને ખેડૂતોને કરાયા સન્માનિત
સભામાં 40 વર્ષોથી ગણદેવી સુગરને ઉંચાઈએ પહોંચાડનારા સહકારી પીઢ આગેવાન અને પથદર્શક જયંતિલાલ બાવજીભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળી ભારે હૈયે વિદાય લીધી હતી. સભામાં પૂર્વ પ્રભારી કાર્યકારી પ્રમુખ રતિલાલ પટેલને ગાંધીનગર રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ તરફથી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળતા, તેમની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે વિશષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા ડિરેક્ટરો અને સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરનારા ચીખલીના ઘેજ ગામનાં ખેડૂત હિતેશ પટેલ અને શીયાદા ગામના રણછોડ પટેલને તેમજ મુખ્ય આંતરપાક તરીકે શેરડી કરનારા ચીખલીના ઘેજ બીડનાં ખેડૂત જેનિશ પટેલનું સન્માન કરાયું હતું. કેટલાક સભાસદોએ કાર્યકારી પ્રમુખ રણજીત પટેલના રાજીનામાં અંગે સવાલો કરતા સભાપતિ રણજીત પટેલ અને અભિષેક પટેલ યોગ્ય ઉત્તર આપી વિવાદને ઠાળ્યો હતો.
આ વર્ષે ગણદેવી સુગર ફેકટરીએ 11.59 ટકા રિકવરી મેળવી
ગણદેવી સુગર ફેકટરીએ વર્ષ 2022-23 ના વર્ષમાં 10,03,775 મે. ટન શેરડીનું પિલાણ કરી 11,64,050 ક્વિન્ટલ ખાંડ ઉત્પાદન કરી, 11.59 ટકા રીકવરી પ્રાપ્ત કરી હતી. તેમજ ડીસ્ટીલરીક્ષેત્રે 1,41,66,173 લીટર રેકટીફાઇડ સ્પિરીટ અને 92,29970 લીટર ઇથેનોલનું ઉત્પાદન, 26,739 મે. ટન સેન્દ્રીય ખાતર, અને 3905 કોથળી વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર કરાયું હતું. ફેકટરી માં કાર્યરત 45 Klpd ઇથેનોલ પ્લાન્ટનું આધુનિકરણ કરી 95 Klpd (કિલો લીટર પર ડે) ક્ષમતાનો કરાયો છે.