શાકભાજી માર્કેટ અને APMC માંથી નીકળતા રોજના સેંકડો કિલો કચરામાંથી ખાતર બનાવવાનુ હતું આયોજન
નવસારી : નવસારી નગરપાલિકા કોઈ પ્રોજેક્ટ શરૂ કરે, પૂર્ણ કરે પણ લાંબો ન ચાલે… આ ઉક્તિ પાલિકાના લગભગ દરેક પ્રોજેક્ટ સાથે બંધબેસે છે. ગત વર્ષે પણ નવસારી વિજલપોર પાલિકાએ શાકભાજી માર્કેટમાં લાખોના ખર્ચે શાકભાજીના કચરામાંથી ખાતર બનાવવાનું મશીન મુકી, ચાલુ કરાવ્યુ હતું. પરંતુ આરંભે સુરાની જેમ મશીન થોડા દિવસો ચાલ્યું અને હવે શોભાના ગાંઠિયાની જેમ બંધ પડ્યુ છે. જેથી માર્કેટના શાકભાજી વિક્રેતાઓમાં રોષ સાથે વિપક્ષ પણ પાલિકાની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવી રહ્યો છે.
શાકભાજી માર્કેટમાં કચરાના ઠગ અને ગંદકીથી શાકભાજી વિક્રેતાઓમાં રોષ
નવસારી વિજલપોર નગરપાલિકાએ શહેરની શાકભાજી માર્કેટમાંથી નીકળતા રોજના સેંકડો કિલો કચરાના નિકાલ માટે આઠ મહિના આગાઉ જ 19 લાખ રૂપિયાના ખર્ચે 1 ટન શાકભાજીના કચરામાંથી 250 કિલો ખાતર બનાવવાનું મશીન મુક્યુ હતુ. જેમાં શાકભાજી માર્કેટ સહિત નવસારી APMC માંથી નીકળતા રોજના 700 થી 800 કિલો કચરા થકી ખાતર બનાવવાની યોજના હતી. સાથે જ ખાતરનો ઉપયોગ પ્રથમ પાલિકાના બગીચાઓમાં અને બચેલા ખાતરને વેચીને આવક મેળવવાનું આયોજન હતું. શરૂઆતમાં થોડા દિવસ ચાલ્યા બાદ લાખોના ખર્ચે મુકાયેલું મશીન બંધ પડ્યુ છે અને ફરી શાકભાજી માર્કેટનો કચરો પૂર્વવત જ ફેંકવામાં આવી રહ્યો છે. બીજી તરફ ચોકીદાર બેસાડવા છતાં પણ માર્કેટમાં કચરાના ઢગ અને ગંદકી રહેતા વેપારીઓમાં પાલિકા સામે રોષ છે.
અગાઉ બનાવેલો બાયોગેસ પ્લાન્ટ પણ થયો જર્જર, પ્રોજેક્ટ ધોળા હાથી સમાન – કોંગ્રેસ
નવસારી પાલિકાના તમામ પ્રોજેક્ટને ધોળા હાથી સમાન હોવાના આક્ષેપો કોંગ્રેસ લગાવી રહી છે. કારણ આજ શાકભાજી માર્કેટમાં જ વર્ષો અગાઉ સેંકડો કિલો કચરાનાં નિકાલ માટે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો હતો અને માર્કેટની દુકાનોને ગેસ કનેક્શન પણ આપ્યા હતા. પરંતુ શાકભાજીના કચરામાંથી ગેસ બન્યો જ નહી અને આજે બાયોગેસ પ્લાન્ટ જર્જર અવસ્થામાં બિનઉપયોગી પડ્યો છે. ત્યારે 1 ટન કચરામાંથી ખાતર બનાવતું મશીન મુક્યું તો ખરૂ પણ બંધ અવસ્થામાં જતા મશીન પાછળ ખર્ચેલા લાખો પાણીમાં ગયા હોવાના આક્ષેપો કોંગ્રેસ લગાવી રહી છે.