નવસારી : સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે આજે બીલીમોરામાં દેસરા ઓવર બ્રીજના લોકાર્પણ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નાણા મંત્રી કનું દેસાઈને હસ્તે બીલીમોરામાં સફાઈ અભિયાનનો પ્રારંભ પણ કરાવવામાં આવ્યો હતો.
પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં છેડાશે સ્વચ્છતા અભિયાન
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા નવસારી વિજલપોર શહેર સહિત સમગ્ર જિલ્લાને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટેનું અભિયાન છેડવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 31 સભ્યોની ટીમ બનાવીને રોજે રોજ સ્વચ્છતા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવસારી વિજલપોર સહિત ગણદેવી, બીલીમોરા ત્રણ શહેરો તેમજ જિલ્લાના 360 ગામડાઓમાં એક પણ ખુણો કચરા અને ગંદકી યુક્ત ન રહે એવા પ્રયાસો થઇ રહ્યા છે. 75 દિવસોના ટાર્ગેટ સાથે છેડાયેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં જિલ્લાના 200 ગામડાઓ સ્વચ્છ થયા છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે અને જેમાં પણ સાંસદથી લઇ ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખો, સભ્યો, નગરસેવકો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો પણ સફાઇ અભિયાનમાં જોડાય એવો આગ્રહ રાખ્યો છે. ત્યારે નવસારી સહિત સમગ્ર રાજ્યમાં આ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં આગામી દિવસોમાં રાજકોટમાં અભિયાન શરૂ થઇ રહ્યું છે, ભરૂચ જિલ્લામાં પણ સ્વચ્છતામાં સારૂ કામ થયુ છે. ત્યારે આપણે સૌ સ્વચ્છતા આગ્રહી બનીએ એવી અપીલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કરી હતી.