સ્વચ્છતાનો ત્રણ મહિનાનો ટાર્ગેટ, 24 દિવસમાં જિલ્લામાંથી 2700 ટન કચરો કાઢ્યો
નવસારી : નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે જ નાગરિકોને જોતરીને સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં નવસારીને સ્વચ્છતામાં અવ્વલ બનાવવાના લક્ષ્યાંક સાથે શરૂ થયેલા અભિયાનના શરૂઆતના 24 દિવસોમાં જિલ્લામાંથી 15 હજારથી વધુ લોકોના સહયોગથી 2700 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના નાગરીકો સ્વચ્છતા અંગે પોતાની જવાબદારી સમજી શહેર, ગામ અને જિલ્લાને સ્વચ્છ રાખે એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
ભારતમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર વન રહે છે. ત્યારે નવસારી જિલ્લો પણ સ્વચ્છતામાં અગ્રેસર રહે એવા પ્રયાસો નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે હાથ ધર્યા છે. સાંસદ દિશા નિર્દેશ કાર્યક્રમ અંતર્ગત ગત 3 ડીસેમ્બર 2023 ના રોજથી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યુ છે. જેમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં શહેરના સામજિક, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ મળીને 40 સભ્યોની સ્ટીયરીંગ કમિટી બનાવી, નવસારી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ અને 360 ગામડાઓને સ્વચ્છ બનાવવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. આ સ્વચ્છતા અભિયનાનમાં મનરેગાના કામદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સફાઈ કર્મીઓ સહિત જિલ્લાની 51 સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો, ભાજપ સંગઠનના કાર્યકરો મળીને 16 હજારથી વધુ લોકોએ 340 થી વધુ વાહનો અને મશીનોના સહયોગથી 360 ગામડાઓમાંથી કુલ 394 ટન કચરો અને ત્રણ શહેરોમાંથી 2337.69 ટન કચરાની સફાઈ કરી છે. આ સાથે જ શાળા, કોલેજ, NCC, NSS ના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ થકી જોડીને લોક જાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરાયા છે. જેથી આગામી મહિનાઓમાં નવસારીવાસીઓ સ્વચ્છ નવસારી, જવાબદારી અમારીના સુત્રને સાર્થક કરે, એવી અપીલ પણ કરવામાં આવી છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા 15 હજાર કાપડ બેગનું કરાશે વિતરણ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસોથી સાંસદ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને લોકોએ પણ આવકાર્યું છે. ખાસ કરીને જિલ્લા કલેકટર એમની ટીમ દ્વારા સોસાયટીઓમાં ફરીને સ્થાનિકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ તારવી આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. સાથે જ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા લગ્ન કે શુભ પ્રસંગોએ સ્વચ્છતા ચાંદલો, શહેરમાં ભીત ચિત્રો, 15 હજાર કાપડની બેગનું વિતરણ, હેપ્પી સ્ટ્રીટ જેવા પ્રયાસો હાથ ધરાશે. જયારે જિલ્લાના 60 સ્થળો જે ચોખ્ખા કરવામાં આવ્યા બાદ પણ ત્યાં લોકો કચરો ફેંકી જાય છે, ત્યાં વોચમેન તેમજ હોમગાર્ડ મુકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સ્વચ્છતા અભિયાનને લોકો આવકારી રહ્યા છે. ખાસ કરીને સ્વચ્છતા હશે તો જ સ્વસ્થતા રેહશે, એવું માનીને પણ લોકો સ્વચ્છતાને જવાબદારી સમજીને નવસારીને સ્વચ્છ બનાવવા તત્પર થયા છે.
નવસારીમાંથી શરૂ થયેલું અભિયાન સમગ્ર રાજ્યમાં ફેલાવાશે
નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા અગાઉ જિલ્લાના ચીખલીને દત્તક લઇ તેને વૈશ્વિક ફલક પર નામના અપાવી હતી. ત્યારે સ્વચ્છતા માટે સરકારી તંત્ર, સમાજિક સંસ્થાઓ, ભાજપ સંગઠન તેમજ નિષ્ણાંત કન્સલ્ટન્ટના સહયોગથી સ્વચ્છતામાં નવસારીનું નામ દેશમાં ગુંજતુ થાય એવા પ્રયાસો હાથ ધર્યા છે. જેની સાથે જ સ્વચ્છતાનું ભગીરથ અભિયાન સમગ્ર ગુજરાતમાં પણ આરંભ કરવાનો રોડ મેપ તૈયાર કરાયો છે.