એક્સિસ બેંકના બ્રાંચ મેનેજર કે ઓપરેશન હેડ ફોરમ સમક્ષ હાજર જ ન થયા
નવસારી : ડીજીટલ યુગમાં અનેક રીતે ઓનલાઇન છેતરપીંડી થઇ રહી છે. જેમાં હજારો લોકો કોઈને કોઈ રીતે સાયબર છેતરપીંડીનો ભોગ બને છે અને હજારો લાખો રૂપિયા ગુમાવી દે છે. ત્યારે નવસારીના અશોક ભાટીના એક્સિસ બેંકના ક્રેડીટ કાર્ડ થકી વગર OTP કે PIN નાંખ્યા વિના 99,375 રૂપિયા ઉપડી ગયા હતા. જેની જાણ થતા જ અશોક ભાટીએ સમય પર બેંકને જાણ કરવા છતાં રીકવરી કાઢી રૂપિયાની ઉઘરાણી કરનારી એક્સિસ બેંકને નવસારી ગ્રાહક તકરાર નિવારણ ફોરમે લપડાક લગાવી ગ્રાહકના ખાતામાંથી ઉપડી ગયેલા 99,375 રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો હતો.
છેતરપીંડીની એક્સિસ બેંકને કરી ફરિયાદ, પણ બેંકે ઉકેલ ન લાવી, કરી હતી ઉઘરાણી
ઈન્ટરનેટનો વપરાશ વધવા સાથે જ સાયબર ફ્રોડ પણ વધ્યા છે. નેટના ભેજાબાજો યેનકેન પ્રકારે લોકોને ડીજીટલી છેતરીને હજારો લાખો રૂપિયા પડાવી લેતા થયા છે. જેમાં લોકોને ભોળવીને OTP કે ટ્રાન્ઝેકશન PIN મેળવીને છેતરપીંડી કરતા હોય છે, પરંતુ હવે તો તમારે OTP કે PIN આપવાની પણ જરૂર નથી પડતી અને તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી જાય છે. આવી જ ઘટના નવસારીના જલાલપોરના તાસ્કંદ નગરમાં રહેતા અશોક ભાટી સાથે બની હતી. અશોક ભાટીએ એક્સિસ બેંકના સેવિંગ એકાઉન્ટ થકી ક્રેડીટ કાર્ડ લીધો હતો. જે ક્રેડીટ કાર્ડમાંથી બે વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2021 માં 99,375.13 રૂપિયા કોઈ સાયબર ગઠીયાએ તફડાવી લીધા હતા. જેની જાણ મહિના પછી મળેલા ક્રેડીટ કાર્ડના બીલથી થતા જ અશોક ભાટીએ તાત્કાલિક નવસારીની એક્સિસ બેંકના જવાબદાર અધિકારીઓને કરી હતી. જેમણે બેંકની હેલ્પલાઈન ઉપર ફરિયાદ નોંધાવા કહેતા, અશોક ભાટીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તપાસ થયા બાદ કેસ બંધ થયો છે અને હવે કોઈ નાણા ભરવાના થતા નથી એવી જાણ કરવામાં આવી હતી. પરંતુ થોડા દિવસોમાં જ એક્સિસ બેંક દ્વારા ઉઘરાણી શરૂ કરતા, અશોક ભાટીએ ફરી નવસારી બ્રાંચ મેનેજર અમિત આનંદ અને ઓપરેશન હેડ ભાવિન પંચોલીને ફરિયાદ કરી હતી, પણ તેમણે જવાબદારી ન સ્વિકારી, તેમની ફરિયાદ બંધ કરી દીધી હતી.
એક્સિસ બેંક તરફથી ફરિયાદ સંબધે એક પણ પુરાવો રજૂ કરવામાં ન આવતા, કોર્ટે આપ્યો ચુકાદો
અશોક ભાટીએ સાયબર ક્ષેત્રના નિષ્ણાત વકીલ ચિરાગ લાડ મારફતે મે 2023 માં એક્સિસ બેંક, નવસારીના બ્રાંચ મેનેજર, ઓપરેશન હેડ અને એક્સિસ બેંક સામે નવસારી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અરજી કરી, ક્રેડીટ કાર્ડમાંથી ઉપડી ગયેલા 99,375.13 રૂપિયા 13.5 ટકાના વ્યાજ સાથે બેંક ચુકવી આપે અને વળતર તથા માનિસક ત્રાસ વગેરે મુદ્દે ખર્ચ ચુકવવા દાદ માંગી હતી. જે કેસ નવસારી ગ્રાહક ફોરમમાં ચાલી જતા બેંક કોઈ પુરાવા રજૂ કરી શકી ન હતી, સાથે જ ગત સપ્ટેમ્બર 2023 માં બેંકને ઈ મેલ દ્વારા અને બેંકના અધિકારીઓને નોટીસ મોકલી અંતિમ તક આપવા છતાં તેઓ કે કોઈ વકીલ પણ હાજર થયા ન હતા. જેથી RBI ના નિયમોનુસાર બેંક દ્વારા ગ્રાહકની સેવામાં બેદરકારી દાખવી હોવાનું સાબિત થયું હતું. સાથે જ ગ્રાહક ફોરમે નોંધ્યુ હતુ કે, ક્રેડીટ કાર્ડને હેક કરી, ઓનલાઇન ડેટા બેઇજ મેળવી અને તેના આધારે OTP નાંખી નાણાનું ટ્રાન્ઝેકશન થતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેથી ફરિયાદીના કિસ્સમાં ટ્રાન્ઝેક્શન થયુ છે કે કેમ એની માહિતી બેંક પાસે જ હોય, પરંતુ એવી માહિતી સાથે બેંક ફોરમ સમક્ષ હાજર થઇ નથી. જેથી ગ્રાહક અશોક ભાટીને 99,375.13 રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચુકવવા ગ્રાહક ફોરમે આદેશ કર્યો હતો. સાથે જ માનિસક ત્રાસના 10 હજાર રૂપિયા અને ફરિયાદ ખર્ચના 5 હજાર રૂપિયા પણ ચુકવવા બેંકને આદેશ કર્યો હતો.