આરોગ્ય

નવસારીના વિજલપોરમાં રખડતા શ્વાનનો આતંક, 22 લોકોને ભર્યા બચકા  

Published

on

હડકાયા બનેલા શ્વાનને પકડવા સ્થાનિકોની માંગ

નવસારી : નવસારીના વિજલપોર વિસ્તારની સોસાયટીઓમાં રખડતા શ્વાનની સંખ્યા વધતા શ્વાનનો આતંક પણ વધ્યો છે. વિજલપોરની ત્રણથી ચાર સોસાયટીઓમાં બે દિવસોમાં રખડતા શ્વાને બાળકોથી લઇ વૃદ્ધ સુધીનાને 22 લોકોને બચકા ભરતા ભયનો માહોલ બન્યો છે. જેથી પાલિકા રખડતા અને હડકાયા બનેલા શ્વાનને પકડવાની કાર્યવાહી કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

વિજલપોરની વનગંગા સોસાયટીના માસુમને શ્વાન કરડતા 12 ટાંકા આવ્યા

નવસારીના વિજલપોર વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. ખાસ કરીને વિજલપોરનાં મારૂતિ નગર, વનગંગા સોસાયટી, અલ્કાપુરી સોસાયટી, આકાર પાર્ક, સગુણા નગર સહિતની સોસાયટીઓમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. જેમાં છેલ્લા થોડા દિવસોથી માદા શ્વાન સહિત બે શ્વાન હડકાયા થતા સોસાયટીમાં ઘર બહાર રમતા બાળકો, શાળાએથી આવન જાવન કરતા વિદ્યાર્થીઓ તેમજ ઓટલા ઉપર બેઠેલા મહિલા અને વૃદ્ધોને કરડયા હતા. જેમાં નાના બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને કરડતા તેમણે સારવાર લેવી પડી હતી. વનગંગા સોસાયટીના ધાર્મિકને જમણા પગનાં નીચેના ભાગે હડકાયા શ્વાને બચકું મારી માંસનો લોચો કાઢી નાંખ્યો હતો. જેમાં ધાર્મિકને તાત્કલિક દવાખાને લઇ જતા 12 ટાંકા લેવા પડ્યા હતા. અન્ય એક વિદ્યાર્થીનીને જાંઘ પાસે બચકું મારતા એને પણ સારવાર લેવી પડી હતી. જેથી પાલિકા રખડતા શ્વાનને પકડવાની તજવીજ હાથ ધરે અને શ્વાનની સંખ્યા નિયંત્રણમાં રહે એ માટે ખસીકરણ કરાવે એવી સ્થાનીઓમાં માંગ ઉઠવા પામી છે.

લાખોનું બજેટ ફાળવ્યુ, છતાં ખસીકરણ માટે નથી મળી એજન્સી – ઉપપ્રમુખ

નવસારી વિજલપોર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા શ્વાનની સમસ્યાનો પાલિકા ઉકેલ લાવી શકી નથી. શહેરની સોસાયટીઓમાં રખડતા શ્વાન હડકાયા થયા બાદ અનેક લોકોને કરડયા હોવાની ભૂતકાળમાં પણ ઘટનાઓ સામે આવી હતી. ગત થોડા દિવસોમાં પણ વિજલપોરમાં 22 લોકોને શ્વાન કરડતા લોકોમાં ભયનો માહોલ છે, ત્યારે પાલિકા શ્વાનને પકડવાની વાત તો કરી રહી છે. પરંતુ શ્વાનના ખસીકરણ માટે લાખોની જોગવાઈ કરવા છતાં કોઈ એજન્સી ટેન્ડર ભરવા તૈયાર નથી. જેથી પાલિકા શ્વાનની ખસીકરણ કરે, એવી એજન્સીઓનો સંપર્ક કરીને તેમને કામગીરી માટે તૈયાર કરવા પ્રયાસ કરાશે.

Click to comment

Trending

Exit mobile version