અપરાધ

આરોપી મજૂરોએ 41 સોનાના સિક્કા 5.81 લાખ લઇ MP ના સોનીને ત્યાં મુક્યા હતા ગીરવે

Published

on

પોલીસે ગીરવે મુકેલા સિક્કા સાથે વધુ એક આરોપીની કરી ધરપકડ

નવસારી : નવસારીના બીલીમોરાના 100 વર્ષોથી જુના જર્જર મકાનનો કાટમાળ કાઢતી વેળાએ લાકડાનાં મોભમાંથી મળેલા સોનાના સિક્કાની ચોરી પ્રકરણમાં નવસારી LCB પોલીસે ગત રોજ વધુ એક આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડ્યો હતો. સાથે જ તેના દ્વારા મધ્યપ્રદેશના સોની પાસે ગીરવે મુકેલા વધુ 19 લાખના 41 સોનાના સિક્કા પણ પોલીસે કબ્જે કર્યા છે, જેની સાથે જ ચોરાયેલા સોનાના સિક્કાની સંખ્યા 240 પર પહોંચી છે.

બીલીમોરાના ઘરમાંથી મળેલા સોના સિક્કા લઇ આરોપી મજૂરો વલસાડ પહોંચ્યા હતા

નવસારીના બીલીમોરા શેહરમાં આવેલા 100 વર્ષથી જુના પૈતૃક મકાનને UK ના લેસ્ટરમાં સ્થાયી થયેલા હવાબીબી બાલીયાએ ગત જાન્યુઆરી 2023 માં વલસાડના દિવ્યાંગ કોન્ટ્રાકટર સરફરાઝ હાજી પઠાણને મકાન તોડી, તેનો કાટમાળ કાઢવા વેચવા આપ્યુ હતુ. જેનો કાટમાળ કાઢવા મધ્યપ્રદેશના 4 મજૂરો, રમકુ બંશી, રાજુ ઉર્ફે રાજલા, રાજુની પત્ની બંજરી અને રમકુના સગીર પુત્રને રાખવામાં આવ્યા હતા અને કાટમાળ કાઢતા મકાનના મોભમાંથી 100 વર્ષ જુના બ્રિટીશ કાલીન સોનાના સિક્કા મળી આવ્યા હતા. સોનાના સિક્કા જોઈ મજૂરોની દાનત બગડી હતી અને તેને ચોરી કરી, બીલીમોરાથી વલસાડ મજૂરી કામ કરતા રાજુના ભાઈ મુકેશ પાસે ગયા હતા અને ત્યાંથી મધ્યપ્રદેશ ઉપડી ગયા હતા. પોલીસ રિમાન્ડમાં જાણવા મળ્યું કે રાજુનો ભાઈ મુકેશ ગેન્તી ભયડીયા સિક્કા મુદ્દે જાણતો હતો અને તેણે મધ્યપ્રદેશના સોની ગોપાલ ઓમપ્રકાશ ગુપ્તાને ત્યાં 5.81 લાખ રૂપિયામાં ગીરવે મુક્યા હતા. જેથી પોલીસે ફરી મધ્યપ્રદેશ પહોંચી સોની ગોપાલ ગુપ્તા પાસેથી 19,00,760 રૂપિયાના 41 સોનાના સિક્કા કબ્જે લીધા હતા. જેમાં રમકુના સગીર પુત્રએ 11 અને રાજુએ 30 સિક્કા ગીરવે મુકવા આપ્યા હતા. જેની સાથે જ સિક્કા ગીરવે મુકવા ગયેલ રાજુના ભાઈ મુકેશ ભયડીયાની પણ ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

સોનાના સિક્કા ગીરવે મુકી, ખોદાવ્યા બે કુવા અને રાજુની પત્નીની કરાવી ડિલીવરી

બીલીમોરામાંથી સોનાના સિક્કા ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ પહોંચેલા ભયડીયા પરિવારે 41 સિક્કા સોની ગોપાલ ગુપ્તાને ત્યાં ગીરવે મુકી 5.81 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયામાંથી ડુંગર ઉપર ઘર હોવાથી પાણીની સમસ્યા હોય, રાજુ અને રમકુ બંનેના પરિવારે ડુંગર ઉપર પાણીનો બોર કરાવ્યો હતો. જયારે રાજુએ તેની પત્ની ગર્ભવતી હોવાથી તેની વડોદારા ખાતે સારવાર કરાવી હતી, જેમાં બંજરીને સીઝર કરીને બાળક લેવા પડ્યુ હતું, એમાં પણ રૂપિયા ખર્ચ્યા હોવાની માહિતી મળી હતી. જોકે વધુ 41 સિક્કા મળતા, અત્યાર સુધીમાં કુલ 240 સોનાના સિક્કા નવસારી પોલીસે કબ્જે કર્યા છે. પરંતુ સોનાના એન્ટીક સિક્કા હોવાથી અન્ય કોઈને આપ્યા હોય કે કેમ એ શોધવું પોલીસ માટે ચેલેન્જીંગ છે. તેમ છતાં MP ના આરોપિત પોલીસ કર્મીઓની પૂછપરછ કરીને વધુ તેમાંથી વધુ સિક્કા મળે એવો પ્રયાસ પણ પોલીસ કરી રહી છે.

ફરિયાદી હવાબીબીએ ખુશી વ્યક્ત કરી, પણ બાકીના સિક્કા શોધવા પણ થાય પ્રયાસ

સોનાના સિક્કા ચોરી જનારા મજૂરો અને કોન્ટ્રાકટરને પોલીસે પકડીને સિક્કા પણ કબ્જે કર્યા હોવાનું જાણતા જ ફરિયાદી NRI હવાબીબી UK થી નવસારી પહોંચ્યા હતા અને પોલીસને મળીને સિક્કા જોવા સાથે જ નવસારી જિલ્લા પોલીસના અધિકારી કર્મચારીઓનો આભાર માન્યો હતો. સાથે જ ઘરના મોભમાંથી મળેલા સિક્કાની સંખ્યા 700 થી 1900 સુધી હોવાની વાતો હતી, ત્યારે પોલીસે 240 સિક્કા શોધ્યા છે, વધુ સિક્કા શોધવાના પ્રયાસ કરે એવી આશા પણ વ્યક્ત કરી, સિક્કા મેળવવા માટે કાયદાકીય રીતે જે કરવું પડે એ કરવા તૈયારી દર્શાવી હતી.

અગાઉ 199 સિક્કા મળ્યા હતા, વધુ 41 સિક્કા મળતા કુલ 240 સિક્કા મળ્યા

મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ રમકુના સોનાના સિક્કા સ્થાનિક પોલીસે જબરદસ્તી ચોર્યાની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. મકાન માલિક હવાબીબીને પણ ત્યારે જ જાણ થઇ અને ત્યારબાદ ગત ઓક્ટોબર 2023 માં હવાબીબીએ નવસારી આવી કોન્ટ્રાકટર તેમજ મજૂરો સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે બે મહિનાની મહેનત બાદ ચોરાયેલા સોનાના સિક્કા, કે જે વર્ષ 1910 થી 1922 ની સાલના બ્રિટીશ કાલીન 199 સિક્કાઓ સાથે રમકુ, રાજુ, બંજરી અને સગીરને મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી, જયારે કોન્ટ્રાકટર સરફરાઝની પણ ધરપકડ કરી હતી. પોલીસે પાંચેય આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન સોનીને ત્યાંથી મળેલા વધુ 41 સિક્કા સાથે કુલ 240 સોનાના સિક્કા થયા છે, જેની કુલ કિંમત 1.11 કરોડથી વધુ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version