આરોપી ટોળકી પાસેથી લોખંડ તાંબાની પ્લેટ અને તાંબાનો વાયર મળી 60 હજારનો મુદ્દામાલ રિકવર
નવસારી : નવસારી શહેરના શાંતાદેવી રોડ પર વર્ષોથી બંધ પડેલી કે. જી. હોસ્પિટલમાંથી થોડા દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં નવસારી ટાઉન પોલીસને સફળતા મળી છે. પોલીસે હોસ્પિટલ આસપાસના સીસીટીવીને આધારે ચોર ટોળકી સુધી પહોંચી ચોરી કરેલ લોખંડ અને તાંબાની પ્લેટ તેમજ તાંબાનો વાયર રિકવર કરી, ચોર ટોળકીના સગા ભાઇ-બહેન સહિત ત્રણની ધરપકડ કરી છે.
તીઘરા નવી વસાહતના સગા ભાઇ-બહેન સહિત ત્રણની ધરપકડ
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના શાંતાદેવી રોડ પર આવેલ કે. જી. હોસ્પિટલ ઘણા વર્ષોથી બંધ અવસ્થામાં છે. હોસ્પિટલમાં મેડીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ અને તેને લગતો સામાન પણ જેમનો તેમ પડ્યો છે. જેને નવસારીના તીઘરા નવી વસાહત ખાતે રહેતા સગા ભાઇ-બહેન અને તેમના મિત્રની ટોળકીએ નિશાન બનાવી, હોસ્પિટલના પાછળના ભાગેથી બારીનો કાચ તોડીને હોસ્પિટલમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપી ફરાર થયા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસના અજમાયશી પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. પરમાર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એચ. ચૌધરીએ તેમની ટીમ સાથે કે. જી. હોસ્પિટલ પહોંચી ચોરોનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પોલીસે હોસ્પિટલની આસપાસની ઇમારતોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા એક મહિલા સહિત ત્રણ ઈસમો હોસ્પિટલ તરફ ખાલી હાથે જતા અને થોડા સમયમાં હાથમાં થેલા લઇને પરત ફરતા જણાયા હતા. જેથી પોલીસે શાંતાદેવી રોડ બાદ ફૂવારાથી રેલ્વે સ્ટેશન તરફના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચોર ટોળકી ફૂવારાથી સાંઢકૂવા સર્કલ તરફ જતી જોવા મળી હતી. જેને જોતા ત્રણેય અગાઉ પણ શહેરમાં તાંબાનાં વાસણની ચોરીમાં પકડાઈ ચુક્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે તરત જ શહેરના તીઘરા નજીક આવેલ તીઘરા નવી વસાહતમાં રહેતા વિજય ઉર્ફે ચીનયો ધીરૂ દેવીપૂજક, ફિરોઝ મુનાફ પઠાણ અને તેની બહેન યાસ્મીન મુનાફ પઠાણને ઘરે રેડ કરી તપાસ કરતા, ઘરમાંથી હોસ્પિટલમાંથી ચોરી કરેલ 65 કિલો લોખંડ અને તાંબાની પ્લેટ તેમજ 38 કિલો તાંબાનો વાયર મળી આવ્યા હતા. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી, આરોપી વિજય દેવીપૂજક, ફિરોઝ અને યાસ્મીન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસને વેગ આપ્યો છે.