દક્ષિણ-ગુજરાત

ઢાઈ અક્ષર પ્રેમ કે… લોકોમાં પ્રેમનો સંદેશ પહોંચાડવા ઇપ્ટાના કલાકારોનું ભારતભ્રમણ

Published

on

માનવતા જીવંત રાખવા સાધુ સંતોના દોહા, છંદ, ગીત, ભજનો, નાટકો થકી સ્નેહનો સંદેશ

નવસારી : ધરતી ઉપર ખરા અર્થમાં માનવી શોધવા મુશ્કેલ છે, લોકો રાગ, દ્વેષ, લોભ, હિંસા જેવા અનેક દુર્ગુણોથી પીડાતા હોય છે અને તેને નાથવા માટે એક જ ગુણ પ્રેમ પુરતો છે. દેશમાં યેનકેન પ્રકારે થતા હિંસક હુમલાઓ, દુનિયામાં બે દેશો વચ્ચેના યુદ્ધો આ બધા ઉપર પ્રેમથી જ જીત મેળવી માનવતા સ્થાપિત કરી શકાય છે… આવા ઉમદા વિચારો સાથે ઇપ્ટા (IPTA) સાથે જોડાયેલા કલાકારો ભારતભ્રમણ પર નીકળ્યા છે. જેમાં આજે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીએ જ્યાં ઐતિહાસિક મીઠાનો સ્તયાગ્રહ કર્યો એ દાંડીના વિનય મંદિરના વિદ્યાર્થીઓને ઢાઈ અક્ષર પ્રેમ હેઠળ સ્નેહ સાથે એકતાનો સંદેશ આપ્યો હતો.

” નવસારીના ઐતિહાસિક દાંડીના વિનય મંદિરના વિદ્યાર્થીઓ સમક્ષ ગીત અને નાટક રજૂ કરી, ભણાવ્યા પ્રેમ અને એકતાના પાઠ “

ભારતના જાણિતા કલાકારો દ્વારા આઝાદી પહેલાથી કાર્યરત ઇપ્ટા (IPTA) સંસ્થા સાથે સંકળાયેલા દેશના વિભિન્ન રાજ્યોના સાહિત્ય, સંગીત, નાટકના કલાકારો દેશમાં વિસરાતા માનવ મુલ્યોને પ્રેમ થકી જીવંત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. દેશમાં અનેક ઢેકાણે ધર્મ, જાત, સમાજના નામે થતી હિંસા તથા વૈશ્વિક સ્તરે થતા યુધ્ધોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ભારતના મહાન સંતો અને આઝાદ ભારતના સ્વપ્નદ્રષ્ટા સૌ મહાનુભાવોના વિચારોને જન માનસ સુધી પહોંચાડવા ઇપ્ટા (IPTA) ના સભ્ય અને સાહિત્યકાર પ્રેમચંદ દ્વારા સ્થાપિત પ્રગતિશીલ લેખક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનીત તિવારીની આગેવાનીમાં છત્તીસગઢના નાટ્યકાર નિસાર અલી, બિહારના સંગીતકારો પીયુષ સીંગ, સંજયકુમાર, ફિરોઝ આલમ, ઉજ્જવલકુમાર, રાજનકુમાર, મહારાષ્ટ્રના સંગીતકાર ફરાઝ ખાન, ઉત્કાર્ષ જાદવ અને રોશન ગાયકરની ટીમ ભારતભ્રમણ પર નીકળી છે. શહીદ ભગતસિંગના જન્મ દિવસ 28 સપ્ટેમ્બરે રાજસ્થાનથી નીકળેલી આ ઢાઈ અક્ષર પ્રેમ કા… યાત્રા 22 રાજ્યોનો પ્રવાસ ખેડીને 30 જાન્યુઆરી, મહાત્મા ગાંધી નિર્વાણ દિને દિલ્હી પહોંચશે.

પ્રેમ યાત્રા દરમિયાન સાધુ, સંતો, મહાપુરૂષોના વિચારો થકી લોક જાગૃતિનો પ્રયાસ 

યાત્રા દરમિયાન સમાજના દરેક તબક્કાના અબાલ વૃદ્ધ સૌના દિલમાં કબીર, મીરાંબાઈ, ગુરૂ નાનક, સંત જ્ઞાનેશ્વર, મહાત્મા ગાંધીજી વગેરે સંતોના પ્રેમ, સત્ય, અહિંસાના વિચારો દોહા, ગીત, ભજન, નાટક થકી લોકોના દિલોમાં ઉજાગર કરવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં યાત્રા અમદાવાદ, કીમ, સુરત થઇ આજે નવસારી પહોંચી છે. જ્યાં મહાત્મા ગાંધીના અહિંસાના ગુણનું ઉત્તમ ઉદાહરણ ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહના સાક્ષી દાંડી ખાતે વિનય મંદિર વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્નેહનો સંદેશ આપ્યો હતો. ગીત અને નાટક થકી પ્રેમના વિચારોને વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ગ્રહણ કર્યા હતા.

Click to comment

Trending

Exit mobile version