ST બસોમાં પણ મોટા પ્રમાણમાં થાય છે વિદેશી દારૂની હેરાફેરી
નવસારી : વિદેશી દારૂની હેરાફેરી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ મોટા પાયે થાય છે, ખાસ કરીને આધેડ અથવા વૃદ્ધ મહિલાઓ મોટા થેલાઓમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી હોય છે. ત્યારે ST બસોમાં વિદેશી દારૂની ખેપ મારવામાં આવતી હોવાની વાતો વચ્ચે આજે નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે નવસારી ST ડેપોમાંથી થેલાઓમાં કુલ 63 હજારનો વિદેશી દારૂ લઇને ઉભેલી સુરતની ચાર મહિલા બુટલેગરોને પકડી પાડી હતી.
ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે કરી કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકારના રાજ્ય પરિવહનની સરકારી બસોમાં વાપી, સેલવાસ, દમણ, વલસાડ વગેરે સ્થળોએથી અલગ અલગ બસોમાં બેસીને મોટા પ્રમાણમાં આધેડ અને વૃદ્ધ મહિલાઓ વિદેશી દારૂની ખેપ મારતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે ઘણીવાર મુસાફરો કે ST બસના ચાલક અથવા કંડકટરને પણ થેલો જોઈને તેમાં દારૂ હોવાની શંકા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોય છે. ત્યારે આજે નવસારી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, એ સમયે HC ઘુઘા દિનેશ અને HC લાલુસિંહ ભરતસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નવસારી ST ડેપો પાસે ઉભેલી ચાર મહિલાઓ પાસેના થેલાઓમાં વિદેશી દારૂ ભર્યો છે. જેને આધારે પોલીસે તાત્કાલિક ST ડેપો પહોંચી, બાતમીવાળી મહિલાઓના થેલાઓ તપાસતા તેમાંથી કુલ 63,450 રૂપિયાની વ્હીસ્કીઅને વોડકાની કુલ 551 બાટલીઓ અને પાઉચ મળી આવ્યા હતા. જેથી પોલીસે ડેપોમાંથી સુરતના ઉધના ત્રણ રસ્તા નજીકની રામદેવ નગર ઝુપડપટ્ટીમાં રહેતી દુર્ગા ગુલાબ કોળી (65), સુરતના ઉધનાના એમ. જી. રોડ સ્થિત સંજય નગર ઝુપડપટ્ટીમાં રહેતી કમલ ઉર્ફે કમલા ઉમેશ ગવાઈ (60), સુરતના કોસાડ ગામ ખાતે અમરોલી આવાસમાં રહેતી શબાના સલીમ શેખ (42) અને સુરતના ડીંડોલી સ્થિત નવાગામ પાસેના રેલ્વે ઝુપડપટ્ટી ખાતે રહેતી પૂજા રાહુલ પાટીલ (25) ની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.