ટ્રક પલટવાની ઘટના સીસીટીવીમાં કેદ, ચાલક અને ક્લીનરનો બચાવ
નવસારી : ગણદેવી ચાર રસ્તા નજીક આજે એક ઓવાર લોડેડ ટ્રક વળાંક લેતી વખતે એક તરફ નમી જવાને કારણે પલટી મારી ગઈ હતી અને ટ્રકમાં ભરેલ બગાસની ગાંસડીઓ રસ્તા પર વિખેરાઈ જતા, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક પલટવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જયારે ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.
ગણદેવી સુગર ફેક્ટરીથી બગાસ ભરીને નીકળી હતી ટ્રક
ગણદેવી સુગર ફેક્ટરીમાંથી બગાસ ભરીને નીકળેલી ટ્રકના ચાલકે ગણદેવી ચાર રસ્તા પાસેનો વળાંક લેતી વખતે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રક પલટવા પાછળ ટ્રકમાં ભરેલ બગાસની ગાંસડીઓ વધુ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યુ હતુ. ઘટનાને પગલે નવસારી તરફ આવવાવાળો ટ્રાફિક અવરોધાયો હતો. જોકે ગણદેવી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, બગાસની ગાંસડીઓ રસ્તા પરથી હટાવવા સાથે ટ્રકને વહેલામાં વહેલી ખસેડવાનો પ્રયાસ કરી, ટ્રાફિક સુચારૂ કરાવ્યો હતો. ટ્રક પલટવાની સમગ્ર ઘટનાના સીસીટીવી કેમરાના ફૂટેજ સામે આવતા ટ્રક ઓવર લોડેડ હોવાનું સાચું ઠર્યુ હતુ. ગણદેવી પોલીસે ટ્રક ચાલક સામે ઓવર લોડેડ બગાસની ગાંસડી ભરવા સામે કાર્યવાહી હાથ ધરી છે.