સી. જે. ચાવડા મોદી, શાહની કાર્યરીતીથી પ્રભાવિત, ભાજપમાં જોડાવાની સંભાવના
નવસારી : લોકસભા ચુંટણી નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં રાજીનામાની લહેર ઉઠી છે, જેમાં આજે વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસને છોડી, પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ છે. સી. જે. ચાવડા મોદી – શાહની રાષ્ટ્રભક્તિની કાર્યરીતીથી પ્રભાવિત હોવા સાથે જ આગામી સમયમાં ભાજપનો ભગવો ધારણ કરે એવી સંભાવના સેવાઈ રહી છે.
આજે સવારે વિધાનસભાના અધ્યક્ષને સોંપ્યુ રાજીનામુ
ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર સી. જે. ચાવડાએ વર્ષ 2002 માં રાજકીય સફર આરંભી હતી. 25 વર્ષોથી વધુ સમયથી કોંગ્રેસનો હાથ પકડીને ગાંધીનગરમાં ભાજપને ટક્કર આપનારા સી. જે. ચાવડા ગત 2022 ની વિધાનસભા ચુંટણીમાં વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પરંતુ લાંબા સમયથી ધારસભ્યોની રાજીનામાની સીઝન શરૂ થાય, એમાં સી. જે. ચાવડા પણ શામિલ થઇ શકે એવી અટકળો વહેતી થઇ હતી. સી. જે. ચાવડાની થોડા દિવસો અગાઉ ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ સાથે બેઠક થઇ હોવાની પણ વાતો હતી અને તેઓ ભાજપનો ભગવો ધારણ કરશેની વાતો ઉઠી હતી. ત્યારે આજે સવારે કોંગ્રેસના દંડક તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદને છોડ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ પહોંચી, સી. જે. ચાવડાએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ ધરી દીધુ હતુ.
કોંગ્રેસના હવે 15 ધારાસભ્યો રહ્યા..!!
વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ પોતાના ધારાસભ્ય પદથી રાજીનામુ આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 15 થવા પામી છે. આ સાથે જ ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસ અને આપના ધારાસભ્યોમાંથી રાજીનામાં પડી શકે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે.