અપરાધ

નવસારી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલો ફાયરીંગ અને લૂટના ગુનાનો કેદી 26 વર્ષે પકડાયો

Published

on

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 હજારના ઇનામી આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો

નવસારી : કાનૂન કે હાથ લંબે હોતે હૈ… એ ઉક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાર્થક કરી બતાવી છે. નવસારીમાં વર્ષ 1999 માં ફાયરીંગ કરી, બાઇક ચાલકની બાઇક લૂટી લેવાના ગુનાનો કેદી બીમારીનું બહાનું કરીને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાતા પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. ઘણા વર્ષોથી પોલીસ પકડથી દૂર રહેલા આ ઇનામી આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામેથી છેક 26 વર્ષે દબોચી, જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

કાચા કામના કેદી તરીકે સજા કાપતા આરોપીને જામીન ન મળતા, ભાગી છૂટ્યો હતો

મળતી માહિતી અનુસાર, નવસારીમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ભાટપૂરા ગામે રહેતો 22 વર્ષીય મોતીલાલ હરીસિંગ ઉર્ફે હંસરાજ જાદવ વર્ષ 1997 માં તેના મિત્ર પદમસીંગ સાથે, નવસારીના પારડી ગામે રહેતા ગુરૂ મિત્ર કાંતિ પટેલને મળવા ગયો હતો. જ્યાંથી રાત્રે પરત ફરતી વેળાએ પદમસીંગ પાસે રિવોલ્વર હોવાથી બંનેએ નવસારી ખાતે એક બાઇક ચાલકને અટકાવી, બે રાઉન્ડ ફાયરીંગ કરીને તેની બાઇક લૂટી લીધી હતી. જેમાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હત્યાની કોશિસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા, નવસારી ગ્રામ્ય પોલીસે મોતીલાલ અને પદમસીંગની ધરપકડ કરી, બંનેને જેલમાં ધકેલી દીધા હતા. નવસારી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતા મોતીલાલની 4 મહિના વીત્યા બાદ પણ જામીન ન થતા, તેણે મસાની બીમારીનું બહાનું બનાવી, નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. જ્યાંથી મોતીલાલ પોલીસને ચકમો આપીને હોસ્પિટલમાંથી ફરાર થયો હતો. જેને પકડવાના પોલીસના પ્રયત્નો વિફળ રહ્યા, ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તેના ઉપર 10 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યુ હતુ.

મધ્યપ્રદેશના હરસુદ ગામે ડૉ. અજય પટેલ બની રહેતો હતો મોતીલાલ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષોથી નાસતા ફરતા અરોપીઓને શોધવાની કવાયત હાથ ધરતા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. સેસ. સિસોદિયા અને તેમની ટીમે નવસારીમાંથી ભાગી છુટેલા 10 હજારી મોતીલાલ જાદવને પકડવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં મોતીલાલના ઘર સહિત તેના સગા સબંધી, મિત્રો વગેરેની માહિતી સાથે તેમના મોબાઇલ નંબર મેળવીને તપાસને વેગ આપ્યો હતો. જેમાં પોલીસને 6 મહીને કડી હાથ લાગી, જેમાં મોતીલાલ પોતાનુ નામ અને ઓળખ બદલી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામે ડૉ. અજય પટેલ બનીને રહી રહ્યો હતો અને જમીન લે-વેચનો વ્યવસાય કરતો હતો. જેથી પોલીસે મધ્યપ્રદેશના હરસુદ ગામે પહોંચી, આરોપી ડૉ. અજય ઉર્ફે મોતીલાલને ફિલગુડ ચાર રસ્તા પાસેથી 26 વર્ષે દબોચી લીધો હતો. અમદાવાદ લાવ્યા બાદ તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના ગુના કબુલ્યા હતા, સાથે જ પોલીસે તેના ભાઈને બોલાવીને પણ મોતીલાલની ઓળખ કરાવતા પડાયેલ ડૉ. અજય પટેલ જ મોતીલાલ હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી, વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો.

આરોપી મોતીલાલ સામે મહારાષ્ટ્રના ધુલેમાં પણ નોંધાયો હતો ફાયરીંગ અને લૂટનો ગુનો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 26 વર્ષે પકડેલા ફાયરીંગ અને લૂટના આરોપી મોતીલાલ જાદવ સામે મહારાષ્ટ્રના ધુલેમાં પણ ગુનો નોંધાયો હતો. આરોપી મોતીલાલે વર્ષ 2000 માં ધુલે જિલ્લાના બાલાપુર ગામમાં આવેલા શ્રીપતિ પેટ્રોલપંપ ઉપર ફાયરીંગ કરીને લૂટ ચલાવી હતી. જેમાં ધુલે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જોકે નવસારી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયા બાદ આરોપી મોતીલાલે પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો હતો અને મહારાષ્ટ્રના નાગપુર અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હોવાથી પોલીસને હાથે લાગ્યો ન હતો. પરંતુ હવે પોલીસ પકડમાં આવતા નવસારી પોલીસની તપાસ બાદ તેને મહારાષ્ટ્રની ધુલે પોલીસને સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version