નવસારી : લોકસભા ચુંટણી 2024 ના પડઘમ વાગી રહ્યા છે, જેમાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મંડી પડ્યા છે, ત્યાં ચુંટણી તંત્ર દ્વારા પણ મતદારોને જાગૃત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. જેના ભાગ રૂપે આજથી નવસારી જિલ્લામાં EVM અને VVPET મશીનથી કેવી રીતે મતદાન કરવુ, એની સંપૂર્ણ માહિતી આપવા, જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે EVM નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
20 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી જિલ્લાના અનેક સ્થળોએ અપાશે EVM-VVPET ની માહિતી
ભારતના ચુંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી લોકસભાની સામાન્ય ચુંટણીને ધ્યાને લઇ, જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા નવસારી જિલ્લાના મતદારો માટે EVM/VVPET ના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેકટર અને ચુંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે EVM નિદર્શન વાનને લીલીં ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે સમગ્ર જિલ્લામાં 20 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન શહેર અને ગામડાઓમાં અલગ અલગ જગ્યાઓએ પહોંચી મતદાતાઓને મતદાન કેવી રીતે કરવું એની ટેકનીકલ નિદર્શન સાથે જ તેમને મુંઝવતા પ્રશ્નોનું સમાધાન કરશે. ખાસ કરીને લોકસભા બુથ પર જઇને EVM મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે.