નવસારી : નવસારી વિજલપોર શહેરનો વ્યાપ વધતા એની જરૂરીયાતો પણ વધી રહી છે. શહેરમાં સુવિધાઓથી સજ્જ ફાયર વિભાગ કાર્યરત છે, પરંતુ વધુ કાર્યદક્ષ બને એ હેતુથી આજે સાંસદ સી. આર. પાટીલના હસ્તે 9.75 કરોડના ખર્ચે તૈયાર થનારા મોડલ ફાયર સ્ટેશનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતુ.
શહેરમાં 2.67 કરોડના ખર્ચે બનશે રસ્તા, બ્લોક અને વરસાદી ડ્રેનેજ
નવસારી વિજલપોર શહેર બન્યાને અઢી વર્ષ ઉપર થયા છે. શહેરનો વિસ્તાર વધતા જ તેની જરૂરીયાતો પણ વધી છે. ખાસ કરીને શહેરમાં કુદરતી આપદા કે આગની ઘટનાઓને પહોંચી વળવા સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન છે, પરંતુ ફાયર વિભાગ વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના વોર્ડ નં. 13 સ્થિત પાલિકાના પ્લોટ નં. 303 માં 9.75 કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની ગ્રાન્ટ મંજૂર થઇ છે, જેની સાથે જ શહેરમાં 2.67 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા, બ્લોક અને વરસાદી ડ્રેનેજ બનાવવાના કાર્યો મંજૂર થયા છે. ત્યારે આજે નવસારી વિજલપોર પાલિકા દ્વારા નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ભૂમિ પૂજન કરાવવામાં આવ્યું હતું. શહેરને વિકાસ પથ પર આગળ લઇ જવા માટે પાલિકા સાથે ધારાસભ્ય પણ પ્રયાસરત છે. ત્યારે નવસારીમાં 12.42 કરોડના વિકાસ કાર્યોની શરૂઆત સાથે જ આગામી દિવસોમાં 110 કરોડ રૂપિયાની પાણી યોજના અને 160 કરોડની ડ્રેનેજ યોજના પણ સાકાર થશે.