ગુજરાત

ચુંટણી મેનેજમેન્ટ : નવસારી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનો થયો પ્રારંભ

Published

on

લોકસભા ચુંટણી કે ઉમેદવારો જાહેર થાય એ પૂર્વે જ ભાજપે લોકસભા બેઠકોના કાર્યાલય શરૂ કરી દીધા

નવસારી : લોકસભા ચુંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. જેમાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હંમેશા કઈ નવું કરીને ચોંકાવી દેતી ભાજપાએ ચુંટણી જાહેર થાય અને પક્ષ ઉમેદવારો માટે વિચારે એ પૂર્વે જ ભાજપે આજે 25 નવસારી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું સાધુ સંતોના હસ્તે પ્રારંભ કર્યો હતો.

નવસારી લોકસભા બેઠક 8 લાખથી વધુ મતોથી જીતવાનો લેવાયો સંકલ્પ

લોકસભા ચુંટણી 2024 ને હવે ત્રણથી ચાર મહિના રહ્યા છે. ત્યારે એક સફળ કોર્પોરેટ કંપની સમાન બનેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુંટણી જંગ જીતવા સ્ટ્રેટેજી બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકસભા ચુંટણી જાહેર થાય અને ત્યારબાદ ઉમેદવારો જાહેર થતા હોય છે, જેના કારણે મતદારો સુધી પહોંચવામાં ઓછા દિવસો હોવાથી મુશ્કેલી પડે છે. ત્યારે કંપનીની જેમ માઇક્રો મેનેજમેન્ટના સહારે ચુંટણી જીતવાની રણનીતિ સાથે ગુજરાત ભાજપાએ ચુંટણીનું રણશિંગું ફૂંકી દીધુ છે. જેમાં ચુંટણી પંચે હજી લોકસભા ચુંટણીની તારીખો હજી જાહેર નથી કરી અને પક્ષ પોતાના ઉમેદવારો વિચારે એ પૂર્વે જ ગુજરાત ભાજપે આજે એકી સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો છે. 25 નવસારી લોકસભા બેઠકનાં મધ્યસ્થ કાર્યાલયનું નવસારી ગણદેવી રોડ પર સ્થિત સ્વીસ પોઇન્ટ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પી. સી. સ્વામી, કથાકાર પ્રફૂલ શુક્લ સહિત અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લા અને દક્ષિણ ક્લસ્ટરના જ્યોતિ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ હતુ.

વિધાનસભામાં મળેલા મતો કરતા વધુ મતો મેળવવાનો અપાયો ટાર્ગેટ

પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયેલી સભામાં મહાનુભાવોએ કાર્યક્રરોને નવસારી લોકસભા બેઠક 8 લાખથી વધુ મતોથી જીતવાનો સંકલ્પ કરાવ્યો હતો. જયારે વર્ચ્યુઅલિ જોડાયેલા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે મતોની સંખ્યામાં વધારો કરવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. જેમાં ધારાસભ્યોને પણ ટાર્ગેટ અપાયો હતો, જેમાં તેમણે વિધાનસભા ચુંટણીમાં મેળવેલા મતો કરતા વધુ મતો મેળવવાની રણનીતિ ઘડવા હાંકલ કરી હતી.

Click to comment

Trending

Exit mobile version