નવસારીને સ્વચ્છ બનાવવા જિલ્લા તંત્ર દ્વારા લોક ભાગીદારી સાથે છેડાયું છે અભિયાન
નવસારી : નવસારી જિલ્લાને સ્વચ્છતામાં અગ્રેસર રાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં તંત્રની દરેક એજન્સીઓએ શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન છેડીને છેલ્લા 8 અઠવાડિયામાં હજારો ટન કચરો કાઢ્યો છે. જોકે સ્વચ્છતાના આ અભિયાનમાં એક એક નવસારીવાસી પોતાની જવાબદારી સમજીને અભિયાનમાં જોડાય એ માટે જાગરૂકતા કાર્યક્રમો પણ થઇ રહ્યા છે, ત્યારે આજે નવસારીના લુન્સીકુઈ મેદાનમાં પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીનો સ્વચ્છતાળી ડાયરો યોજવામાં આવ્યો છે.
નવસારી વિજલપોર શહેર સ્વચ્છતામાં રાજ્યમાં 11 માં નંબરે
નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત ગત ડીસેમ્બર મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોક સહયોગ સાથે મેગા અભિયાન છેડ્યુ છે. ત્રણ મહિનામાં નવસારીને સ્વચ્છ બનાવવાના લક્ષ્યાંક સાથે શરૂ કરેલા આ અભિયાનમાં ગત 8 અઠવાડિયામાં નવસારી વિજલપોર નગરપાલિકા સહિત ગણદેવી, બીલીમોરા અને 360 ગામડાઓમાં સફાઇ કર્મીઓએ હજારો ટન કચરો એકત્રિત કરી, તેનો નાશ કર્યો છે. સાથે જ લાંબા સમયથી સરકારી કચેરીઓના રેકોર્ડ જેની પણ સફાઇ થવી જરૂરી હતી, એની સફાઇ પણ કરવામાં આવી છે, પડતર વાહનોની હરાજી કરીને તેનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. સાથે જ નવસારી શહેરની સરકારી ઈમારતોની દીવાલો ઉપર જાણીતા આર્ટીસ્ટ દ્વારા મોર્ડન આર્ટ પણ બનાવામાં આવ્યા છે. જોકે વર્ષોથી ચાલતા સ્વચ્છતા સર્વેક્ષણમાં કેટલાક નિયમોમાં પાછળ પડતા નવસારી વિજલપોર પાલિકા રાજ્યમાં 11 માં સ્થાને અને સમગ્ર દેશમાં 186 માં નંબરે આવી છે. પરંતુ પાલિકાના સતત પ્રયાસો તેને આવનારા સમયમાં પ્રથમ સ્થાન અપાવે એવા પ્રયાસો પણ હાથ ધરાયા છે.
તંત્ર દ્વારા નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ સ્વચ્છતાની મહત્વતા સમજે એના પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં શાળાઓમાં સ્વચ્છતાને લગતી સ્પર્ધાઓ સાથે જ સ્વચ્છતા મેરેથોન, સ્થળે હેપ્પી સ્ટ્રીટ હેઠળ વિસરાતી જતી રમતો સાથે ઝુમ્બા, ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જેમાં આજે ગુજરાતના જાણીતા લોક ગાયિકા ગીતા રબારીના મધુર કંઠે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં સ્વચ્છતાળી હેઠળ યોજાનારા આ ડાયરામાં સંગીતના સુરો સાથે લોક ગીતો અને ગરબાના મનોરંજન સાથે નગરજનોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવામાં આવશે. જેથી નવસારીવાસીઓ પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી સૂત્રને સાર્થક કરી, નવસારીને સ્વચ્છ તેમજ સુંદર બનાવે.