મળતી માહિતી અનુસાર, નવસારીના ધર્મિન નગરમાં રહેતા 43 વર્ષીય વિમલકુમાર ગાંધી શહેરના જુનાથાણા નજીક આવેલા ઇન્દિરા સર્કલ પાસે માતંગી બેકરી ચલાવે છે. બે દિવસ અગાઉ 23 જાન્યુઆરીની સવારે વિમલ ગાંધી બેકરીએ પહોંચ્યા અને પોતાની પાસેના રોકડા 1.25 લાખ ભરેલ પાકીટ દુકાનના કાઉન્ટર ઉપર મુક્યુ હતુ. પરંતુ પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા મુળ તામિલનાડુના અને હાલ મહારાષ્ટ્રના બોઇસર રેલ્વે ફાટક નજીક નહેરૂનગરમાં રહેતા ગણેશન મારીમુથ્થુ શેટીયાર (62) અને તેનો પુત્ર જગન ગણેશન શેટીયાર (36) એ વિમલની નજર ચુકાવી 1.25 લાખ રૂપિયા ભરેલ પાકીટ તફડાવી લીધુ હતુ અને મોપેડ પર હાઇવે તરફ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ એક્ટિવ થયેલી નવસારી પોલીસે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓના ફૂટેજ તપાસી આરોપીઓના વર્ણનને આધારે તેમની ઓળખ કરી હતી. બીજી તરફ નવસારી LCB પોલીસની ટીમ પણ તરત આરોપીઓને પકડવા પાછળ દોડી હતી. જેમાં પોલીસે NH 48 પર નવસારીના ખડસુપા બોર્ડીંગ પાસેથી લૂટેલા રોકડા 1.25 લાખ રૂપિયા સાથે દબોચી લીધા હતા. સાથે જ આરોપીઓ પાસેથી રોકડ, 50 હજારની બાઇક અને 1 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળીને કુલ 1.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યા હતા.
આરોપીઓ તામિલનાડુના, ગુજરાતની મોપેડ ખરીદી કરતા હતા તફડંચી
નવસારી LCB પોલીસે પકડેલા મદ્રાસી પિતા-પુત્ર મુળ તામિલનાડુના તીરૂપુર જિલ્લાના રહેવાસી છે, જેઓ હાલ મુંબઈના બોઇસર રેલ્વે ફાટક નજીકની નહેરૂનગર ઝુપડપટ્ટીમાં રહે છે. બંને પિતા-પુત્રએ વલસાડ પાસીંગની મોપેડ ખરીદી હતી અને તેઓ બોઇસરથી મોપેડ લઇને મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વલસાડ, નવસારી જેવા જિલ્લાઓમાં નીકળી પડે છે અને દુકાન, બેંક જેવી જાહેર જગ્યાઓ પાસે ઘાત લગાવીને જોતા રહે છે. જેમાં પાકીટ સાથે વ્યક્તિને જોતા જ પાકીટમાં કેટલા રૂપિયા હશેનું અનુમાન લગાવી, નજર ચુકાવીને તફડાવીને ફરાર થઇ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પોલીસે આરોપીઓ અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એના માટે રિમાન્ડ મેળવી તપાસને વેગ આપ્યો છે.