નવસારી : નવસારીમાં એક નિષ્ઠુર જનેતાએ પોતાના પાપને છુપાવવા નવજાત મૃત ભ્રુણને શહેરના રીંગ રોડ નજીક આવેલા સરકારી આવાસની પાછળ કચરામાં ફેંકી દીધુ હતુ. જેની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી નવસારી ટાઉન પોલીસે કચરામાંથી ભ્રુણને કાઢી, તપાસને વેગ આપ્યો છે.
નવજાતને કચરામાં કોણ ફેંકી ગયુ, તેને શોધવા પોલીસે શરૂ કર્યા પ્રયાસો
મળતી માહિતી અનુસાર, આજે બુધવારે બપોરે નવસારી શહેરના રીંગ રોડ નજીક આવેલા સરકારી આવાસની 0 બિલ્ડીંગની પાછળ કચરામાં એક નવજાત ભ્રુણને નિષ્ઠુર જનેતાએ ફેંકી દીધું હોવાની વાત વાયુ વેગે પ્રસરતા આસપાસના લોકોની ભીડ ભેગી થઇ હતી. ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કચરામાં વચ્ચે પડેલા નવજાત મૃત ભ્રુણને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા અને મૃત ભ્રુણને બહાર કાઢી, તપાસ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ હતું. સાથે જ ભ્રુણ કચરામાં ક્યાંથી આવ્યું, કોણ ફેંકી ગયું એની તપાસ માટે સરકારી આવાસમાં રહેતા લોકોની પૂછપરછ પણ આદરી હતી. જોકે નવસારી રેલ્વે સ્ટેશન નજીકનો વિસ્તાર હોવાથી કોણ ફેંકી ગયુ હશે એ કળવું મુશ્કેલ છે. કારણ અહીં સીસીટીવી કેમેરા પણ ન હોવાને કારણે મૃત ભ્રુણની નિષ્ઠુર જનેતાને શોધવી પોલીસ માટે મુશ્કેલ બનશે. જોકે પોલીસે બાતમીદારોનાં નેટવર્કને એક્ટીવ કરી મૃત ભ્રુણ ક્યાંથી આવ્યુ એનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.
થોડા દિવસ અગાઉ ગણદેવીમાંથી પણ મળ્યું હતું નવજાત મૃત ભ્રુણ
ગણદેવી શહેરમાં ગત 20 ડિસેમ્બરે જુના સિનેમા રોડ નજીક બાપા સીતારામની મઢુલી નજીક નિર્દયી જનેતાએ નવજાત દીકરીને તરછોડી હતી. જેને રખડતા શ્વાનના ટોળાએ ફાડી ખાતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસે મૃતક નવજાતના મૃતદેહને ગણદેવી રેફરલ હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. સાથે જ દુર્ઘટના મોતનો ગુનો નોંધી ગણદેવી પોલીસે મૃતક નવજાત બાળકીની માતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ આજ દિન સુધીમાં ગણદેવી પોલીસ સફળ થઇ શકી નથી, ત્યાં આજે નવસારીમાં ફરી કચરામાં ફેંકી દેવાયેલ નવજાત ભ્રુણ મળતા નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.