વલસાડના કલેકટર ક્ષિપ્રા અગ્રે બન્યા નવસારીના નવા કલેકટર
નવસારી : ગુજરાત સરકાર દ્વારા ગત મોડી રાતે રાજ્યાના 50 IAS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો, જેમાં નવસારી જિલ્લાના કલેકટર અમિત પ્રકાશ યાદવની ખેડા કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી. જયારે વલસાડ કલેકટર ક્ષિપ્રા અગ્રેને નવસારીના નવા કલેકટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
ટેક્સટાઇલ પાર્કમાં જમીન સંપાદન અને સ્વચ્છતા અભિયાન રહી મુખ્ય કામગીરી
ભારતમાં લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચુંટણી પૂર્વે રાજ્યના 50 સનદી (IAS) અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં છેલ્લા 3 વર્ષોથી કાર્યરત નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને પણ બદલી આપી, ખેડા – નડિયાડના કલેકટર પદ પર નિયુક્તિ આપી છે. નવસારીનાં કાર્યકાળ દરમિયાન કલેકટર અમિત પ્રકાશ યાદવની નવસારી માટે રોજગારીની મોટી તક ઉભી કરનારા ટેક્સટાઇલ પાર્ક માટે જમીન સંપાદનની ભૂમિકા મહત્વની રહી છે. સાથે જ વર્ષ 2022 માં આવેલા પુર સમયે ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં દિવસ રાત એક કરી કલેકટર અમિત પ્રકાશ યાદવે પુરથી ઓછું નુકશાન થાય અને જાનહાની ટાળી શકાય એના માટે સફળ પ્રયાસો કર્યા હતા. કલેકટર યાદવે રાજ્યના તત્કાલીન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મહેસુલ મેળો યોજીને જિલ્લામાં જમીન વિવાદના કેસોને પણ કાયદાની મર્યાદામાં રહીને સરળતાથી ઉકેલવામાં સફળતા મેળવી હતી. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન દરમિયાન થયેલા વિવાદો અને છેતરપીંડીના કેસો મહત્વના રહ્યા હતા. જયારે હાલમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત નવસારીને સ્વચ્છ બનાવવાના ભગીરથ કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે જ સામાજિક સંસ્થાઓ, ચુંટાયેલા પદાધિકારીઓ અને ભાજપી કાર્યકર્તાઓ સહિત નાગરિકોને જોડીને નવસારીને સ્વચ્છતામાં અલગ ઓળખ અપાવવાના પણ સફળ પ્રયાસો રહ્યા છે. ત્યારે કલેકટર અમિત પ્રકાશ યાદવની બદલી થતા તેમના જીવંત સ્વભાવ અને લોક પ્રશ્નોને સમજી, સમજાવીને ઉકેલવાની તેમની પદ્ધતિ હંમેશા નવસારી જનોને યાદ રહેશે.
વલસાડમાં કલેકટર તરીકે ફરજ બજાવતા ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રેની બદલી નવસારી કલેકટર તરીકે થઇ છે. અગાઉ સુરત પ્રાદેશિક કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલા ક્ષિપ્રા અગ્રે નવસારીથી વાકેફ છે. સાથે જ નવસારીના અનેક મહત્વના પ્રોજેક્ટને પ્રાદેશિક કમિશ્નર સમયે તેમણે લીલી ઝંડી આપી હતી. ત્યારે જિલ્લા કલેકટર બનતા જ નવસારીના વિકાસને નવી દિશા મળશે એવી આશા નવસારીજનોમાં બંધાઈ છે.