નકલી પોલીસે આપેલા કોલ લેટરની ખરાઈ કરવા અસલી પોલીસ પાસે જતા, નકલી પોલીસ પકડાયો
નવસારી : લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરેની કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે. અહીં AC રીપેરીંગનું કામ કરતા દીકરાને પોલીસ વિભાગમાં નોકરી મળશેની લાલચમાં એક પિતા પાસેથી 85 હજાર રૂપિયા ખંખેરી લેનારા નકલી પોલીસકર્મી પણ વધુ રૂપિયાની લાલચમાં ભેરવાય ગયો છે. કારણ પોતાને પોલીસ તરીકે ઓળખાવતા ઠગબાજની જાળમાં ફાસાયેલા પિતાને શંકા જતા કોલ લેટર લઇને પહોંચી ગયા નવસારી ટાઉન પોલીસ મથકે અને ત્યાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસે પણ ઘટના જાણતા જ નકલી પોલીસ બનીને ફરી રહેલા ઠગ ભગતને દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
AC રીપેરીંગ કરતા પુત્રની જીંદગી સુધારવાની લ્હાયમાં પિતા ઠગભગતની જાળમાં ભેરવાયા
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના રીંગ રોડ સ્થિતિ કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલા મુળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી, 2024 ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિગમાં મળ્યો હતો. જેણે પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપી હતી. સાથે જ સિદ્દીક શેખને વાત વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે. જેથી પિતા સિદ્દીક તેના AC રીપેરીંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા નવાઝ સામે ઈચ્છા વ્યક્ત કરતા જ સિદ્દીક શેખ ઠગભગત નવાઝની જાળમાં ફાસાયો હતો. બાદમાં ફોર્મ ભરાવવાના નામે, ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીને આપવાના, ટ્રેનીંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનીંગમાં જવાના નામે નવાઝ શેખે, દીકરાની જીંદગી સુધરે એવા આશાયથી ટૂકડે ટૂકડે 85 હજાર રૂપિયા આપી પણ દીધા હતા. જેમાં નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનીંગમાં જવાની વાત હતી અને ટ્રેનીંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો.
ટ્રેનીંગનો કોલ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગ્યા, પિતા ચકાસણી કરવા જતા ફૂટ્યો ભાંડો
નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા થઇ હતી અને દીકરા જાફરનો ટ્રેનીંગનો કોલ લેટર લઇ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું. જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85 હજાર રૂપિયા પડાવી લેનારા નકલી પોલીસ કર્મી નવાઝ શેખ સામે ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો. સાથે જ આરોપી નવાઝની પાસેથી તેનો નકલી પોલીસનો ID કાર્ડ, જાફર માટે ખરીદેલ પોલીસ ડ્રેસ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
આરોપી નવાઝ શેખ સુરતના કડોદરા ખાતે રહેતો હતો. કડોદરા પોલીસ મથક અંતર્ગત નવાઝ GRD તરીકે નોકરી કરી ચુક્યો હતો, જેથી પોલીસ સાથેના ઘરોબાને કારણે ચાલબાજ નવાઝે પોલીસ ભરતીને નામે લોકોને ઠગવાના શરૂ કર્યા હતા. જેમાં નવાઝે નવસારીની મોડસ ઓપરેન્ડીથી જ સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં ત્રણ લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે.