નવસારી : લોકસભા ચુંટણી નજીક આવતા જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની મોસમ આવતી હોય છે, જેમાં વાંસદા કબ્જે કરવા મથામણ કરી રહેલ ભાજપે આજે ખેરગામ તાલુકાના પાણીખડક ગામના 100 કોંગ્રેસી કાર્યકરોને પૂર્વ મંત્રી નરેશ પટેલના હસ્તે કેસરિયો ધારણ કરાવ્યો હતો. જેના થોડા કલાકોમાં જ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે ભાજપમાં જોડાનારા ભાજપી જ હોવાની પ્રતિક્રિયા આપી હતી.
વાંસદા વિધાનસભા બેઠક અંતર્ગત ખેરગામનાં પાણીખડકના લોકો કોની સાથે…? પ્રશ્નાર્થ
લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વર્ષોથી વાંસદા વિધાનસભા બેઠક મેળવવા મથામણ કરી રહેલ ભાજપ કોંગ્રેસને તોડવાનો મજબૂત પ્રયાસ કરતી રહે છે. જેમાં આજે પૂર્વે કેબીનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં પાણીખડક ગામે આયોજિત કાર્યક્રમમાં વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા ખેરગામ તાલુકાના પાણીખડક ગામના અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહેનારા હનુમાન ફળિયા, પટેલ ફળિયા સહિત ગામના 100 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો. કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા પૂર્વ મંત્રી નરેશ પટેલે કહ્યું કે પાણીખડકના સક્રિય કોંગ્રેસી કાર્યકરોએ સમય સાથે પરિવર્તનનો વિચાર કરી, મોદી સરકારના વિકાસ સાથે જોડાવા, અધ્યાત્મ્ય સાથે જોડાયેલા લોકોએ ભગવાન રામચંદ્રજીનાં મંદિર બનતા બધું ભૂલી, અમારી ભુલ છે હોવાનું કહીને 100 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં વિધિવત જોડાયા છે અને લોકસભામાં તન મનથી ભાજપ માટે કામ કરશે.
ભાજપમાં જોડાનારા ભાજપી જ કાર્યકરો, ભાજપે દેખાડો કર્યો – અનંત પટેલ
પાણી ખડકગામના કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં દોડયા હોવાની વાત જાણતા જ વાંસદા વિધાનસભાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, પાણીખડકમાં કોંગ્રેસના એટલા કાર્યકર્તાઓ જ નથી. ભાજપે ભાજપી કાર્યકરોને ખેસ પહેરાવીને માત્ર દેખાડો કર્યો છે. અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં નથી જોડાયા.