ગુજરાત

નવસારી જિલ્લાના 237 ગામડાઓમાં 3055 આવાસોનું પ્રધાનમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

Published

on

નવસારીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 વર્ષોમાં 18 હજારથી વધુ આવાસો ફાળવાયા

નવસારી : લોકસભા ચુંટણીનું વર્ષ છે અને સરકાર દ્વારા ચુંટણી પૂર્વે અવનવા પ્રોજેક્ટના ખાતમુર્હત અને લોકાર્પણના કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એકી સાથે 1.31 લાખથી વધુ આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું. જેમાં નવસારી જિલ્લામાં પણ જિલ્લાની 4 વિધાનસભામાં 3055 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસાથી વર્ચ્યુઅલિ જોડાયા

કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના માનવીઓ માટે વિવિધ આવાસ યોજના અમલી બનાવી છે. જેમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેર અને ગામડાઓમાં આવાસ ફાળવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસ સાથે શૌચાલય, બાથરૂમ અને મજૂરીની સહાય અલગથી ચુકવવામાં આવતી હોય છે. જેથી આર્થિક સંકડામણમાં પણ માણસ પોતાનાં સપનાનું ઘર બનાવી એમાં હસી ખુશી રહી શકે. ત્યારે ગુજરાતમાં આજે ઐતિહાસિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોના તમામ તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો તેમજ મંજૂરી મળેલ આવાસોનું ઈ-લોકાર્પણ સાથે ઈ-ખાતમુર્હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલિ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ. નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભા બેઠકો પર પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 237 ગામડાઓમાં 305 આવાસોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ આવાસ લોકાર્પણ અને ખાતમુર્હત કાર્યક્રમને ગુજરાત માટે ઐતિહાસિક ઠરાવ્યો હતો. કારણ એક સાથે 2,993 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર રાજ્યમાં 1.31 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુર્હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડીજીટલી કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થી સાથે વાત પણ કરી હતી. આ વર્ષના બજેટમાં ગરીબ સ્વાભિમાનથી રહી શકે એ હેતૂથી આવાસ યોજનામાં 87 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

વાંસદા વિધાનસભામાં સૌથી વધુ 1856 આવાસનું લોકાર્પણ, જયારે જયારે 6 વર્ષોમાં 11,843 આવાસ ફાળવાયા

નવસારી જિલ્લાની 4 વિધાનસભા અંતર્ગત 6 તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 3055 આવાસોનું આજે ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન થયુ હતુ. જેમાં જલાલપોર વિધાનસભામાં કુલ 350 આવાસ, નવસારી વિધાનસભામાં કુલ 246 આવાસ, ગણદેવી વિધાનસભામાં 603 આવાસ અને સૌથી વધુ વાંસદા વિધાનસભામાં 1856 આવાસોનું ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જયારે છેલ્લા 6 વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવસારી જિલ્લાની જલાલપોર વિધાનસભામાં 2010 આવાસો, નવસારી વિધાનસભામાં 1400 આવાસ, ગણદેવી વિધાનસભામાં 3582 આવાસો અને સૌથી વધુ 11,843 આવાસો વાંસદા વિધાનસભામાં ફાળવવામાં આવ્યા હતા.

Click to comment

Trending

Exit mobile version