હાઇવે પર વોચ ગોઠવી તપાસ કરતી નવસારી LCB ની ટીમને મળી સફળતા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી રોજના મોટી સંખ્યામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, જેમાં આજે નવસારી LCB પોલીસની ટીમે હાઇવે પર વોચ ગોઠવી દારૂની હેરાફેરી રોકવાના પ્રયાસોમાં સફળતા મેળવી છે. પોલીસે નવસારીના ઉન ગામ પાસેથી 58 હજારથી વધુનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ખેપીયાઓને પકડી પાડ્યા હતા. જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી મહારાષ્ટ્ર, સેલવાસ અને દમણથી નજીકનો જિલ્લો છે. જેથી અહીંથી રોજના લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થતી રહી છે, જિલ્લા પોલીસ દારૂની હેરાફેરી રોકવા પ્રયાસ કરે છે, પણ હેરાફેરીને અટકાવી શકતી નથી. નવસારી LCB પોલીસની ટીમ આજે નેશનલ હાઇવે નં. 48 પર ખાસ વિદેશી દારૂની હેરાફેરી રોકવા પ્રયાસ રત હતી. દરમિયાન HC યુવરાજસિંહ જુવાનસિંહ અને HC ગણેશ દીનુંને સંયુક્ત રીતે મળેલી બાતમીને આધારે હાઇવે પર નવસારીના ઉન ગામ પાસે ફોલ્ડીંગ ગોઠવી હતી. જેમાં બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, કારમાંથી 58,800 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 228 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કારમાં સવાર અને સુરતના પુણા ગામ, સીલીકોન રેસીડન્સીમાં રહેતા 38 વર્ષીય અલ્પેશ રતી પડસાળા તેમજ સુરતના સરથાણા જકાતનાકા નજીક સ્વામીનાયારણ સોસાયટીમાં રહેતા 38 વર્ષીય બીપીન અરજણ માંગરોલીયાની ધરપકડ કરી હતી. જયારે આરોપીઓની પૂછપરછમાં અન્ય એક આરોપી મિલનનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 1 લાખ રૂપિયાની કાર, 10 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન અને 9 હજાર રૂપિયા રોકડા મળીને કુલ 1.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.