નવસારી : નવસારી રેલ્વે સ્ટેશનના પૂર્વ તરફથી મોપેડ ચોરી કર્યા બાદ તેનો રંગ બદલીને વેચવાની ફિરાકમાં ફરતા ત્રણને નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે સી. આર. પાટીલ સંકૂલમાંથી દબોચી લીધા હતા.
બે આરોપીઓએ મોપેડ ચોરી કરી અને ત્રીજાએ હાથેથી રંગ કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી રેલ્વે સ્ટેશનની પૂર્વ તરફની ટીકીટ બારી સામે આવેલ ખંભાત સ્ટીલની બહાર પાર્ક કરેલી સફેદ રંગની મોપેડને થોડા દિવસો પહેલા કોઈ ચોરી કરી ગયુ હતું. જેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી. દરમિયાન બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવા ટાઉન પોલીસની ટીમે કવાયત હાથ ધરતા HC લાલુસિંહ ભરતસિંહ અને HC ઘુઘા દિનેશને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ચોરીની મોપેડ વેચવાના ઈરાદે ત્રણ યુવાનો શહેરના ગ્રીડ રોડ પાસે સી. આર. પાટીલ સંકૂલ વિસ્તારમાં ફરી રહ્યા છે. જેને આધારે પોલીસ ટીમ તાત્કાલિક સી. આર. પાટીલ સંકૂલમાં પહોંચતા એક નંબર પ્લેટ વિનાની મોપેડ સાથે ત્રણ યુવાનો જણાતા, તેમને અટકાવી પોલીસે પૂછપરછ આદરી હતી. જેમાં પોલીસને શંકા જતા નજીકના જ ભુત ફળિયા ખાતે રહેતો 20 વર્ષીય ઋતિક ગણેશ હળપતિ, નવસારી તાલુકાના અડડા ગામે વિજીફા ફળિયામાં રહેતો 26 વર્ષીય નયન ઉર્ફે ઉમેશ રમણ રાઠોડ અને નવસારીના વિજલપોર વિસ્તારમાં સરદાર ચોક પાસે સુશ્રુષા હોસ્પિટલ સામે રહેતા 24 વર્ષીય સાહિલ ઉર્ફે શનિ સંજય રાઠોડને અટકમાં લઇ કડકાઇથી પૂછતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને મોપેડ ચોરીની હોવાની કબુલાત કરી હતી. જેમાં શનિ અને ઉમેશે રેલ્વે સ્ટેશન પાસેથી મોપેડ ચોરી હતી અને મોપેડ ઓળખાઇ ન જાય, એ માટે ઋતિકને રંગ મારવા આપી હતી. જેથી ઋતિકે સફેદ રંગની મોપેડને હાથેથી કાળો રંગ મારી દીધો હતો. બાદમાં ત્રણેય ભેગા મળી મોપેડની નંબર પ્લેટ કાઢી નાંખી, તેને વેચવાની ફિરાકમાં હતા. પરંતુ મોપેડ કોઈને વેચે એ પૂર્વે જ નવસારી ટાઉન પોલીસને જાણ થઇ અને ત્રણેયને દબોચી લીધા હતા. પોલીસે ઋતિક હળપતિ, સાહિલ રાઠોડ અને નયન રાઠોડની ધરપકડ કરી, 40 હજાર રૂપિયાની મોપેડ અને 7 હજાર રૂપિયાના 3 મોબાઇલ ફોન મળી કુલ્લે 47 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.